બનાસકાંઠા: ડીસા – પાટણ હાઇવે પર દૂધના ટેન્કરે બાઇક ને ટક્કર મારી
પાલનપુર: ડીસા – પાટણ હાઈવે પર એક દૂધના ટેન્કરે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો
ડીસા – પાટણ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં જાબડીયા ગામનો પ્રકાશ ઠાકોર નામનો યુવક બાઈક લઈને ખરડોસણ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે વળાંકમાં સામેથી આવી રહેલા દૂધના ટેન્કર અને બાઇક સામસામે ધડાકા ભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને અકસ્માતમાં બાઈક સવાર યુવક રોડ પર પટકાતા તેને ઇજા પહોંચી હતી. જેથી સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત બાઇક ચાલક ને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ડીસા પાટણ હાઈવે પર અનેક જગ્યાએ ભયજનક વળાંક હોવાથી અવારનવાર નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે. અને અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચે છે. ત્યારે તંત્ર દ્વારા પણ આ રોડ પર વાહનો ધીમે ચલાવવા અને ખાસ કરીને વળાંકમાં ખાસ ધ્યાન રાખવા વાહનચાલકો ને અપીલ કરાઇ છે.
આ પણ વાંચો :ધીરેન્દ્ર શાસ્ત્રી શિરડી સાંઈ બાબા પર નિવેદન આપ્યા બાદ ફસાયા, મુંબઈ પોલીસે દાખલ કરી ફરિયાદ