બનાસકાંઠા: ડીસામાં અકસ્માતમાં લગ્નમાંથી પરત ફરતા બાઈક ચાલકનું મોત :એકને ઈજા
પાલનપુર 28 મે 2024: ડીસા- ધાનેરા હાઇવે પર ટ્રેલરએ ટક્કર મારતા લગ્ન પ્રસંગ પતાવી પરત ઘરે આવી રહેલા સામઢીના યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે બીજા યુવકને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતની વિગત એવી છે કે પાલનપુર તાલુકાના સામઢી નાઢાણીવાસ ખાતે રહેતા પ્રકાશસિંહ હિંમતસિંહ સોલંકી ઉંમર વર્ષ 19 અને ધરમસિંહ દેવચંદજી વાઘણીયા ઉંમર વર્ષ 32 બંને જણા જેરડા સંબંધીને ત્યાં લગ્નમાં ગયા હતા. ત્યારબાદ લગ્ન પ્રસંગ પતાવી ગઈ રાત્રે તેઓ પરત પોતાના ગામ જતા હતા ત્યારે ધાનેરા હાઇવે પર પાછળથી આવતા ટેલરે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બંને જણા નીચે પટકાતા પ્રકાશસિંહનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ધરમસિંગ ને પણ ઇજાઓ થતા તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જ્યારે ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતી. પોલીસે ફરાર થયેલા ટ્રક ચાલકની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : પીરાણા ધામમાં સમાધિઓ તોડનાર સામે પગલાં લેવા રબારી સમાજની માંગ