ઉત્તર ગુજરાતગુજરાતબિઝનેસ

બનાસકાંઠા: કૃષિલક્ષી ધિરાણની દ્રષ્ટિએ ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ બાદ બનાસકાંઠા જિલ્લો ત્રીજા નંબરે

પાલનપુર: કોઈપણ દેશ કે રાજ્યમાં બેન્કિંગ સિસ્ટમનું મજબૂત માળખું એની આર્થિક સધ્ધરતામાં મહત્વપુર્ણ ગણાય છે. ગુજરાતમાં બેન્કિંગના સુદ્રઢ માળખાનો લાભ દરેક જિલ્લાને મળ્યો છે. ખેતી અને પશુપાલન ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અગ્રેસર અને ભૌગોલિક વિસ્તારમાં દ્વિતીય સ્થાન ધરાવતો બનાસકાંઠા જિલ્લો બેન્કિંગ પ્રણાલીના વિવિધ સ્તરે અગ્રીમતા પ્રાપ્ત કરી વિકાસની નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં 350 જેટલી બેંકોના સુદ્રઢ માળખું

ખેતી અને પશુપાલન પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો, પશુપાલકો, ધંધાદારીઓ, વેપારીઓ, નાના ફેરિયાઓ એમ તમામ પ્રકારના લોકો બેંક સુવિધાઓનો લાભ મેળવી રહયા છે. રાષ્ટ્રીય કૃત બેંકો, કો-ઓપરેટિવ બેન્કસ, રિજનલ રૂરલ બેન્ક, પ્રાઇવેટ બેન્ક, સ્મોલ ફાયનાન્સ બેન્ક અને પેમેન્ટ બેંકોની 350 જેટલી બ્રાન્ચોની સુવિધાથી જિલ્લાના નાગરિકો બેન્કિંગ સેવાઓથી લાભન્વિત થયા છે. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના અમલીકરણ અને કસ્ટમરના ખાતાઓમાં ડાયરેકટ ચુકવણી જેવી સુવિધાઓ મેળવે છે.

બેંકો-humdekhengenews

બેન્ક ઓફ બરોડા પાલનપુર લીડ બેંકના મેનેજર હેમંતભાઇ ગાંધીના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં ડિસેમ્બર 2022 સુધીમાં 13,808 હજાર કરોડ ડિપોઝીટ હતી.જે વધીને માર્ચ 2023માં 14,942 હજાર કરોડ થઈ છે. તો લોન ધિરાણ ડિસેમ્બર 2022માં 15,247 હજાર કરોડ હતું.જે વધીને માર્ચ 2023માં 15,814 હજાર કરોડે પહોંચ્યું છે. આમ, ડિપોઝિટમાં 1134 હજાર કરોડ અને લોનમાં 567 કરોડનો વધારો થયો છે.

94 ટકા સેવિંગ એકાઉન્ટ અને 86 ટકા કરંટ એકાઉન્ટ ધારકો કરે છે ડિજિટલ નાણાંકીય વ્યવહારો

કૃષિલક્ષી ધિરાણની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ બાદ બનાસકાંઠા ત્રીજા નંબરે છે. માર્ચ 2023 સુધીમાં વિવિધ બેંકોમાં 3,22,967 KCC એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. તેમજ માર્ચ 2023 સુધીમાં 70 ટકા લેખે 8930 કરોડ કૃષિલક્ષી ધિરાણ કરવામાં આવ્યું છે.

આજનો યુગ મોબાઈલ અને આધુનિકતાનો છે. ડિજિટલ બેન્કિંગ સેવા પ્રણાલી આજના સમયની માંગ અને જરૂરિયાત છે. જે બેન્કિંગ સેવાઓને ઝડપી અને પારદર્શકની સાથે જ ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહારની સુવિધા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ડિજિટલ ક્રાંતિના આહવાનને પગલે આજે સમગ્ર વિશ્વમાં ભારત ડિજિટલ વ્યવહારોમાં અગ્ર સ્થાને છે. ગુજરાતમાં જ્યારે ડિજિટલાઈઝેશનની પહેલ શરુ કરાઈ ત્યારે બનાસકાંઠા જિલ્લાને આઇડેન્ટિફાય કરી આ સુવિધા વધારવા પર બેન્કિંગ ક્ષેત્રને અનુરોધ કરવામાં આવ્યો હતો.જેના પગલે જિલ્લામાં આજે 94 ટકા સેવિંગ એકાઉન્ટ ધરાવતા કસ્ટમર ડિજિટલ સેવાનો ઉપયોગ કરે છે. જ્યારે 86 ટકા કરંટ એકાઉન્ટ ધરાવતા કસ્ટમર એક યા બીજા પ્રકારે બેંકની ડિજિટલ સેવાઓથી જોડાયા છે.

પ્રધાનમંત્રી જનધન યોજના , પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજના, અટલ પેંશન યોજના સહિતની યોજનાઓનો લાભ જિલ્લાના નાગરિકોને મળ્યો છે. માર્ચ 2023 સુધીમાં 12, 91, 479 જનધન ખાતાઓ જિલ્લામાં ખોલવામાં આવ્યા છે. તો 2,47,276 ગ્રાહકો PMJJBY (પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના) 5,16,329 PMSBY (પ્રધાનમંત્રી સુરક્ષા બિમા યોજના) અને 81,394 APY ( અટલ પેંશન યોજના) જેવી બેન્કની સામાજિક સુરક્ષા યોજનાનો લાભ મેળવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ બેંકોના કુલ 446 ATM મુકવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ગત સાલ કરતાં 13 નવા ATM પોઇન્ટ વધારવામાં આવ્યા છે. જે હવે 100 થયા છે. અને શહેરી વિસ્તારમાં 198 ATM હતા, જે હવે 213 થયા છે. તો સેમી અર્બન વિસ્તારમાં પણ ATM ની સંખ્યામાં વધારો થતાં તે 121 ને સ્થાને 133 થયાં છે.

યુવાધનને શિક્ષણ માટે, ધંધા રોજગાર માટે અને કારકિર્દી ઘડતર માટે લોન આપી સહાય આપવામાં આવે છે. લીડ બેન્ક બરોડા બેન્ક સંચાલિત RSETI દ્વારા જિલ્લામાં 2009 થી 2023 સુધીમાં 337 ટ્રેનિંગ કાર્યક્રમ યોજી 10,000 કરતાં વધુ યુવાઓને ધંધાકીય/રોજગારલક્ષી અને કૌશલ્ય વર્ધનની તાલીમ આપવામાં આવી છે. તો 3307 તાલીમાર્થીઓને સ્વરોજગારી માટે લોન આપવામાં આવી છે. 3606 યુવાઓ આ તાલીમ મેળવી પોતાનો ધંધો કરી રહ્યા છે. તો 7210 લોકો સ્વ રોજગારી મેળવી રહ્યા છે. આમ યુવાઓ- બેરોજગારો ના સપના સાકાર કરવામાં RSETI એ મહત્વની જવાબદારી નિભાવી છે.

આ જ રીતે જિલ્લામાં 31,286 લોકોને 338 કરોડની લોન સહાય મુદ્રા યોજનામાં આપવામાં આવી છે. તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સહયોગથી વાજપાઈ બેંકેબલ યોજનામાં 176.47 ટકા સિદ્ધિ પ્રાપ્ત કરતાં 1900 ના લક્ષ્ય સામે 3353 ધંધાર્થીઓને લોનની સહાય કરવામાં આવી છે. તો 1417 સ્વ સહાય જૂથ(SHG) એકાઉન્ટ હેઠળ મહિલાઓ વિવિધ પ્રકારે લોન મેળવી રોજગારી અને સ્વંવલંબન મેળવી આત્મનિર્ભર બન્યા છે. તો PM સ્વનિધિ યોજનામાં પણ જિલ્લાએ 60.25 ટકા ની સિદ્ધિ મેળવી નગરપાલિકાના માધ્યમથી મળેલી 6054 અરજીઓ સામે 3648 અરજીઓ માન્ય રાખી નાના વેપારીઓ ફેરિયાઓને દસ હજાર, વીસ હજાર, અને પચાસ હજારની લોન સહાય આપવામાં આવી છે.

આ પણ વાંચો : મરીન નેશનલ પાર્કમાં મેન્ગ્રૂવ્સ જંગલના નિર્માણ માટે રિલાયન્સ અને રાજ્ય સરકાર વચ્ચે થયા કરાર, જાણો શું ફાયદો થશે

Back to top button