બનાસકાંઠા: બનાસ ડેરીએ રાજ્ય બહાર ઝડપી દૂધ પહોંચાડવા ‘ટ્રક ઓન ટ્રેન’ સુવિધાનો કર્યો પ્રારંભ
પાલનપુર:એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દૂધ ઉત્પાદન વ્યવસાયને વિકસાવવા માટે અનેક સાહસો કરી રહી છે ત્યારે તાજેતરમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી દ્વારા દૂરના રાજ્યોમાં ઝડપી દૂધ પહોંચાડવા ટ્રક ઓન ટ્રેન સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ગઈકાલે પાલનપુરના કરજોડાથી ન્યુ રેવાડી સુધી દૂધ ભરેલા 25 ટેન્કર એટલે કે 7.50 લાખ લીટર દૂધની ટેન્કર ભરેલી ટ્રેનને લીલીઝંડી આપી હતી.
ઉલ્લેખનીય છે કે બનાસ ડેરી દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી બનાસ ડેરીનો વ્યાપ વધારવા અને સહકારની ભાવનાને સમગ્ર રાષ્ટ્રમાં ફેલાવવાના હેતુ સાથે ટેન્કર દ્વારા દૂધ પહોચાડવામાં આવતું હતું, પરંતુ એમાં ઇંધણનો ખર્ચ વધુ થતો હતો. આ ખર્ચના પૈસાને બચાવવા અને એનો ફાયદો પશુપાલકોને આપવાના ઉમદા અભિગમ સાથે બનાસ ડેરીએ ટ્રક ઓન ટ્રેનની સુવિધા શરૂ કરી છે.
ચેરમેન શંકરભાઈ ચૌધરીએ ટ્રક ઓન ટ્રેન સુવિધાનો પ્રારંભ કરતાં સમયે નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સુવિધાને કારણે પર્યાવરણમાં ઇંધણના કારણે ફેલાતું પ્રદૂષણ અટકશે, વાહન પાછળ થતો ઇંધણ ખર્ચ બચશે તેમજ સમયસર દૂધ દૂરના રાજ્યોમાં પહોંચાડી શકાશે. બનાસ ડેરી અને રેલવે વિભાગ દ્વારા ટ્રક ઓન ટ્રેન સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રેન દ્વારા 25 ટેન્કરોને ન્યુ રેવાડી સુધી 30 કલાકની જગ્યાએ 12-13 કલાકમાં પહોંચશે જે પછી ટેન્કર ચાલકો આ દૂધ ભરેલા ટેન્કરોને રોડ માર્ગે ન્યુ રેવાડી થી ફરીદાબાદ પહોંચાડશે.
અત્યારે દ્વારા ટેન્કરોને ન્યુ રેવાડી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ આગામી દિવસોમાં આ ટ્રેન દ્વારા ટેન્કરો છેક ફરીદાબાદ તેમજ અન્ય રાજ્યમાં પહોંચશે તેવી પણ વ્યવસ્થાનું આયોજન બનાસ ડેરી દ્વારા કરવામાં આવશે. બનાસડેરીના આ નવતર આયોજનના કારણે ડેરી ઉપર ખર્ચનું કારણ ઘટતા જિલ્લાના પશુપાલકોને ફાયદો થશે.
આ પણ વાંચો :લવ જેહાદ પર બીજેપી મહિલા નેતાનું નિવેદન; ‘પ્રેમ તો પ્રેમ છે, તેને કોઈ દિવાલો નડતી નથી’