ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર ખાતે રૂ. 460.43 લાખના ખર્ચે અદ્યતન નવિન એસ.ટી. ડેપો – વર્કશોપનું થશે નિર્માણ

  • નવિન એસ. ટી. ડેપો – વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું

પાલનપુર 7 માર્ચ 2024 : બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે ગુરૂવારે પાલનપુર મુકામે આવેલ નવિન એસ.ટી. ડેપો – વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જુના અને જર્જરિત ડેપો-વર્કશોપને ડિમોલીશ કરીને આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવિન ડેપો – વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂ. ૪૬૦.૪૩ લાખના ખર્ચે બનનાર નવિન એસ.ટી. ડેપો – વર્કશોપ ખાતે એડમીન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, રેકર્ડ રૂમ, સ્ટોર રૂમ, લેડિઝ રેસ્ટરૂમ, ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી. નિગમ પાલનપુર વિભાગની અંદાજિત ૬૨૪ બસો દરરોજ આશરે ૨,૬૭,૨૪૧ કિલોમીટર દૈનિક અંતર કાપે છે. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવોના હસ્તે જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા -૨૦૨૩ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું.

આ લોકાર્પણ પ્રસંગે બનાસકાંઠાના સાંસદસભ્ય પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા નવિન ટેકનોલોજી દ્વારા પાલનપુર મુકામે આધુનિક એસ.ટી. વર્કશોપ બનવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદની લાગણી થાય છે. માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર બન્યા પછી દરેક ક્ષેત્રોમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે અને અનેક જનકલ્યાણકારી કાર્યો થયા છે. ગુજરાત સરકારે અદ્યતન સુવિધાઓયુક્ત નવિન એસ.ટી. બસો અને અત્યાધુનિક સુવિધાસભર બસપોર્ટ આપી લોકોની ખૂબ સારી સેવા કરી છે.

આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે એસ.ટી. વર્કશોપના નવિનીકરણના પ્રોજેક્ટ માટે શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાત એસ.ટી.નું પાલનપુર ડિવિઝન ખૂબ મોટું ભગીરથ કાર્ય કરે છે. આજે ગુજરાતના ગામે ગામ એસ.ટી. બસો પહોંચે છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે એસ.ટી. બસોની ટેકનિકલ જરૂરીયાતો માટે વર્કશોપના નવિનીકરણ માટે ખૂબ ઉદાર હાથે મંજૂરી આપી છે. માહિતીખાતા દ્વારા પ્રકાશિત બનાસકાંઠા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકને અનુલક્ષીને ધારાસભ્યએ જણાવ્યું કે આ પુસ્તિકામાં જણાવેલ યોજનાઓ અને સરકારની સિદ્ધિઓ એ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ કાર્યોની પારદર્શિતા સાબિત કરે છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાના માલગઢ ગામે નવીન માર્ગનું કરાયુ ખાત મુહૂર્ત

Back to top button