બનાસકાંઠા વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ, ચૂંટણી સ્ટાફ મત વિસ્તારમાં જવા રવાના
પાલનપુર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. તા. ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. ચૂંટણી ફરજમાં રોકાયેલો સ્ટાફ જિલ્લાની નવ વિધાનસભા મતવિસ્તારમાં જવા માટે પાલનપુર તાલુકાના જગાણા હેલીપેડ ખાતેથી વહેલી સવારે ૨૨ જેટલી બસ મારફત રવાના કરવામાં આવ્યો હતો. એવી જ રીતે જિલ્લાની જુદી જુદી વિધાનસભા મતવિસ્તારમાંથી આવેલા મતદાન સ્ટાફનું પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે આગમન થતાં તેમના રહેઠાણ, ભોજન અને રિફ્રેશમેન્ટ તાલીમની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ કર્મચારીઓ આવતીકાલે મતદાન મથકો પર ચૂંટણી કામગીરીની વ્યવસ્થા સંભાળશે.
જુદા જુદા મતવિસ્તારમાંથી આવેલા મતદાન સ્ટાફનું પાલનપુર આઇ.ટી.આઇ. ખાતે આગમન
આ પ્રસંગે ૧૨-પાલનપુર વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુશીલ પરમારે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા વિભાગમાં રોકાયેલા પાલનપુર તાલુકાના 900 જેટલાં સ્ટાફને અલગ- અલગ વિસ્તારમાં મોકલવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશ વિરૂદ્ધ મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાને ઝાટકો, આ ફાસ્ટ બોલર ઈજાગ્રસ્ત થતાં વનડે સીરીઝમાંથી બહાર
રહેઠાણ- ભોજન સહિત રિફ્રેશમેન્ટ તાલીમની વ્યવસ્થા કરાઈ
વિધાનસભા પ્રમાણે રજીસ્ટ્રેશન કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આવેલ ફરજ પરના કર્મચારીઓ માટે ચા-નાસ્તા સાથે જમવાની, રહેવા તેમજ આરોગ્ય વિષયક વ્યવસ્થાઓ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયાની તાલીમથી સજ્જ કરાયેલા છે એમને રિફ્રેશમેન્ટ તાલીમ આપી અને ત્યાંથી તેઓને મતદાન મથક પરની ડ્યુટી ફાળવવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણીમાં 19,992 કર્મચારીઓ ફરજ ઉપર મુકાયા
- 2874- પ્રિસાઇડીંગ ઓફિસર
- 2874-પોલીંગ ઓફીસર-1
- 2874- પોલીંગ ઓફીસર
- 2874- મહિલા
- 3056- પોલીસ જવાનો
- 5440 હોમગાર્ડ જવાનો મળી કુલ- 19,992 જેટલાં કર્મચારીઓ લોકશાહીના અવસરની ઉજવણીમાં પોતાની ફરજ નિભાવશે.
- ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા સ્ટાફના ટ્રાન્સપોર્ટેશન માટે ૨૮૪ જેટલી એસ.ટી.બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.