ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં આશાવર્કર બહેનોની પડતર માગણી ન સંતોષાતા હડતાલ

Text To Speech
  • અચોક્કસ મુદત સુધી કામગીરીથી અળગા રહી હડતાલ કરી

પાલનપુર 3 ફેબ્રુઆરી: ડીસામાં આરોગ્ય લક્ષી પાયાની અને મહત્વની કામગીરી કરી રહેલા આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે કામગીરીથી અળગા રહી હડતાલ કરી હતી તેમજ આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી રહેલા આશા વર્કર બહેનોને પોતાની માંગણીઓના સંતોષાતા આખરે હડતાલ પર જવું પડ્યું છે. જેમાં ડીસા આરોગ્ય કચેરી ખાતે કામગીરી કરતી આશા વર્કર બહેનોએ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી આજે કામકાજથી અળગા થવાનો નિર્ણય કર્યો હતો. આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેઓનો 50% ટોપઅપ વધારો સમયસર ન ચુકવાતા તેમજ તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદતની કામગીરીથી અળગા થવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય ક્ષેત્રે મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા સમયે આશા વર્કર બહેનોને વખતોવખત અન્યાય કરવામાં આવી રહ્યો છે. 50% ટોપઅપ વધારો એપ્રિલથી આજ દિન સુધી 10 માસથી ચૂકવાયો નથી. જ્યારે 2500 રૂપિયા માસિક વધારો પણ ડીસા તાલુકામાં જૂનથી આજ દિન સુધી એટલે કે આઠ માસનો બાકી છે.

આ ઉપરાંત તેઓની પડતર માંગણીઓમાં ઇનસેટિવ જેવી શોષણ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, આશા વર્કર બહેનોની કામગીરી નો સમય નક્કી કરવામાં આવે, વર્ગ-૪નું કાયમી મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કર બહેનોને અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટરનીટી લીવ આપવામાં આવે, ઓનલાઇન કામગીરી માટે આશાવર્કર બહેનોને એન્ડ્રોઇડ મોબાઈલ ફોન આપવામાં આવે ઉપરાંત દર વર્ષે આશા વર્કર બહેનોને યુનિફોર્મ સાડી ડ્રેસ આપવામાં આવે તેમજ અર્બનમાં વસ્તી વધારે હોવાથી કામગીરી પણ વધારે હોવાથી અલગથી ઇનસેટિવ આપવામાં આવે સહિતની માંગ સાથે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી આ માંગણીઓ નહી પુરી કરાય ત્યાં સુધી કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ દરમ્યાન આરોગ્ય લક્ષી કામગીરી ખોરવાય તો આશા વર્કર બહેનોની કોઈ જવાબદારી નથી તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાની બનાસ નદી પર બનેલો ત્રીજો બ્રિજ ટેસ્ટિંગ માટે ખુલ્લો મુકાયો

Back to top button