ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જોધપુર- અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું પાલનપુરમાં આગમન

પાલનપુર: આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગોરખપુર જંકશન રેલ્વે સ્ટેશનથી વર્ચ્યુઅલી જોધપુર- અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા આ ટ્રેન રાત્રે- 10.00 કલાકે પાલનપુર રેલ્વે સ્ટેશન પર આગમન થતાં રાજ્યસભા સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયા, ધારાસભ્ય અનિકેતભાઇ ઠાકર અને પ્રવીણભાઈ માળી, કલેક્ટર વરૂણકુમાર બરનવાલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિરણબેન રાવલ, પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી કાંતિભાઈ કચોરીયા સહિત પદાધિકારીઓ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ, શહેરના પ્રતિષ્ઠીત નાગરિકો દ્વારા ફૂલહાર વડે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંસદ દ્વારા કરાયું ભવ્ય સ્વાગત

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ દિનેશચંદ્ર અનાવાડીયાએ ટ્રેનને આવકારતા હર્ષ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અત્યાધુનિક સુવિધાવાળી સ્વદેશી ટ્રેન છે. વિદેશોમાં હોય તેવી ફેસિલિટીવાળી આ ટ્રેન શરૂ થતાં લોકોને ખુબ સારી સુવિધા પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે, વર્ષ-2047 માં આપણા દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવાના છે એ પ્રસંગે વિકસીત ભારત બનાવી હિન્દુસ્તાનને વિશ્વગુરુ બનાવવામાં આપણે પણ યોગદાન આપીએ.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અત્યાધુનિક સુવિધાવાળી સ્વદેશી ટ્રેન છે: સાંસદ દિનેશ અનાવાડીયા

અમદાવાદ (સાબરમતી) અને જોધપુર વચ્ચે તા. 09 જુલાઈ-2023થી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા માટે પશ્ચિમ રેલવે તૈયાર છે. રિકલાઇનિંગ અને આરામદાયક બેઠકો, સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત રીડિંગ લાઇટ્સ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ્સ, એટેન્ડન્ટ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન કોલ બટન, બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા વગેરે દ્વારા મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધા પૂરી પાડશે.

સ્વદેશી ટ્રેન-humdekhengenews

આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે તથા મંગળવારે નહીં ચાલે. ટ્રેન નંબર 12462 અમદાવાદ (સાબરમતી)- જોધપુર વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ (સાબરમતી) થી 16.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.55 કલાકે જોધપુર પહોંચશે. એ જ રીતે, વળતી દિશામાં, ટ્રેન નંબર 12461 જોધપુર- અમદાવાદ (સાબરમતી) વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ જોધપુરથી 05.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે 12.05 કલાકે અમદાવાદ (સાબરમતી) પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના અને પાલી મારવાડ સ્ટેશનો પર ઉભી રહેશે.

સ્વદેશી ટ્રેન-humdekhengenews

આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત ટ્રેન રાજસ્થાનની બીજી વંદે ભારત ટ્રેન છે. આ ટ્રેન શરૂ થવાથી મુસાફરીના સમયમાં એક કલાકની બચત થશે. આ ટ્રેન પાલી, મારવાડ, ફાલના, આબુરોડ, પાલનપુર અને મહેસાણા ખાતે સ્ટોપેજની વ્યવસ્થા અને અત્યાધુનિક સુવિધાઓને લીધે આ વિસ્તારના લોકોને ખુબ સારી સુવિધા અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. જેનાથી આ ક્ષેત્રના સ્થાનિક ઉદ્યોગ, ધંધા, પ્રવાસન, ડેરી તથા માર્બલ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન અને વેગ મળશે.

આ પણ વાંચો : ગુજરાત ATSને મળી મોટી સફળતા, કચ્છમાંથી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલનારની ધરપકડ

Back to top button