ભિક્ષા નહિ શિક્ષા : ભીખ માંગતા આદિવાસી બાળકોના જીવનમાં આવ્યુ આમૂલ પરિવર્તન
પાલનપુર : એક સમયે યાત્રાધામ અંબાજી મંદિર બહાર ભીખ માંગતા બાળકો પોતાના કૌશલ્ય અને કલાનું દેશના વડાપ્રધાન સામે પ્રદર્શન કરે અને વડાપ્રધાન પણ તેમની કલા સંગીતથી પ્રભાવિત થઈ આ કુશળ કલાકારોને કાર્યક્રમમાં આમંત્રણ પાઠવી તેમના કલા કૌશલ્યને બિરદાવે એવી અચરજભરી લાગતી આ વાત ખરેખર વાસ્તવિકતા છે.
“શ્રી શક્તિ સેવા કેન્દ્ર” એન.જી.ઓ દ્વારા ભિક્ષા નહિ શિક્ષાના મંત્રને સાર્થક કરતાં અંબાજીમાં ભીખ માંગતા બાળકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી આજે આદિવાસી બાળકોનું બેન્ડ દેશના વડાપ્રધાન સહિત દેશવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આદિવાસી બાળકોએ કેવડિયા ખાતે સંગીતના સૂર રેલાવ્યા
બનાસકાંઠાના શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે 30 મી સપ્ટેમ્બર, 2022ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના અંબાજી નગરના આદિવાસી બાળકોના મ્યુઝિકલ બેન્ડે સંગીતમય સુરાવલીઓ છેડી વડાપ્રધાનનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. બેન્ડની સુમધુર સુરાવલીથી આનંદિત થયેલા વડાપ્રધાનશ્રીએ આ નાના કિશોરોના મ્યુઝીકલ બેન્ડ સાથે ગ્રૂપ ફોટો પડાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ તેમની કલાને જાહેરમાં બિરદાવતા તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. વડાપ્રધાનની સંગીતની સુજ અને કલાકારો પ્રત્યેના પ્રોત્સાહનભાવની નોંધ મીડિયા સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીએ પણ લીધી હતી.
પ્રધાનમંત્રીએ બાળકોના બેન્ડને બિરદાવી તેમની સાથે ફોટા પડાવ્યા
અદભુત અને અસાધારણ કલા કૌશલ્ય ધરાવતા આ મ્યુઝીકલ બેન્ડમાં અંબાજી આસપાસના આદિવાસી, ભરથરી અને પછાત વર્ગના બાળકો સંગીતના વિવિધ સાધનો વગાડવામાં નિપુણતા ધરાવે છે. આ બેન્ડના બાળકો એક સમયે અંબાજી મંદિર બહાર ભીખ માગવાનું કામ કરતા હતા. તેમની પોતાની પ્રાથમિક અને પાયાની જરૂરિયાતનો અભાવ હતો. તેમના જીવનમાં શિક્ષણનો ઉજાશ ન હતો અને ભવિષ્ય અંધકારમય હતું. ત્યારે આ પ્રતિભાવાન બાળકોના જીવનમાં સ્થાનિક એન.જી.ઓ. શ્રી શક્તિ સેવા કેન્દ્ર આશાનો નવો સૂરજ લઈ આવ્યું અને તેમની આંતરિક શક્તિઓને ખીલવતા તેમના પોતીકા સંગીતને ઉજાગર કર્યું.
ભીખ માંગતા આ બાળકોને સૌ પહેલાં તો શિક્ષિત કરવાનું બીડું શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા ઝડપવામાં આવ્યું હતું ત્યારબાદ આ બાળકોમાં રહેલી તેમની પ્રતિભા અને કુશળતાને વિકસાવવાનું કામ કર્યું. જેનાથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ પ્રભાવિત થયા હતા. અને 31મી ઓક્ટોબરે કેવડિયામાં યોજાયેલ રાષ્ટ્રીય એકતા દિવસની પરેડમાં સરદાર પટેલને તેમની 147મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં બાળકોના બેન્ડે કમાલનું પરફોર્મન્સ આપી ઉપસ્થિત સૌ કોઈની વાહવાહી લૂંટી હતી.
સ્થાનિક એન.જી.ઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા અંબાજીના આદિવાસી બાળકોને શિક્ષિત કરી તેમની આંતરિક શક્તિ અને કૌશલ્યને વિકસાવવાનું ઉમદા કાર્ય તો કરવામાં આવ્યું જ છે. સાથે સાથે ભીખ માંગવા જેવું કામ કરતા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની દિશામાં પણ પથદર્શકનું કામ કરી બતાવ્યું છે. “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” ના સહયોગથી આ બાળકો ભિખારીઓ અને સમાજના પછાત વર્ગના બાળકોને શિક્ષણની રાહ પર ચાલવાનો અને પોતાની આંતરીક શક્તિઓ ખિલવવાનો સંદેશ આપી રહ્યા છે.
“શ્રી શક્તિ સેવા કેન્દ્ર”ની અતિ પછાત વર્ગના ઉત્થાન માટે અથાક મહેનત
“શ્રી શક્તિ સેવા કેન્દ્ર”ના હસનભાઈએ જણાવ્યું કે છેલ્લા 13 વર્ષથી બનાસકાંઠાના “અંબાજી” વિસ્તારમાં આદિવાસી, ભરથરી અને અતિ પછાત વર્ગના ઉત્થાન માટે “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” અથાક મહેનત કરી રહ્યું છે. થોડા વર્ષો પહેલા અંબાજી મંદિર અને ગબ્બર પર્વત એક્સ્ટેંશનમાં ભીખ માંગવામાં સામેલ બાળકોનો હાથ પકડી ભિક્ષા નહીં, શિક્ષાના અભિયાન સાથે તેમના જીવનને સંપૂર્ણ પરિવર્તન તરફ દોરી જવાનું કાર્ય શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” દ્વારા છાત્રાલયની સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં શિક્ષણની સાથે સાથે બાળકોને રમતગમત, બેન્ડ, સંગીત વગેરે પ્રવૃત્તિઓની પણ તાલીમ આપવામાં આવે છે. “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” એ આ બાળકોને તમામ સુવિધાઓ સાથે જોડ્યા અને તેમના સર્વાંગી વિકાસનું કાર્ય શરૂ કર્યું છે જેનાથી તેમના જીવનમાં નવો ઉજાસ પથરાયો છે.
ચાલીસ બાળકોને બેન્ડ માટે પસંદ કરાયા
“શ્રી શક્તિ સેવા કેન્દ્ર” દ્વારા 120 થી વધુ બાળકોમાંથી 40 બાળકોને બેન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ બેન્ડમાં 14 થી 17 વર્ષની વયજૂથના બાળકો સામેલ છે અને તેમની પ્રતિભા વિકસાવવા માટે કુશળ ટ્રેનર્સની પણ નિમણૂંક કરવામાં આવી હતી. આ બાળકોને છેલ્લા બે વર્ષથી સઘન તાલીમ મળી રહી છે. બાળકોના બેન્ડે પણ વિવિધ ઈવેન્ટ્સમાં ભાગ લઈ મેડલ જીત્યા છે. “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” બેન્ડનું નેતૃત્વ દશરથ ભરથરી નામનો કિશોર કરી રહ્યો છે. તેના નેતૃત્વ હેઠળના આ બેન્ડ દ્વારા અંબાજી ખાતે અને કેવડિયા ખાતે એમ બે વાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ પ્રસ્તુતિ કરવામાં આવી છે. આ બેન્ડ દ્વારા ઝોન લેવલ, રાજ્ય લેવલ અને રાષ્ટ્રીય પર્વ પ્રસંગે પણ સંગીતની સુમધુર સુરાવલીઓ રેલાવવામાં આવે છે. આદિવાસી બાળકોના બેન્ડ દ્વારા કરવામાં આવતી વન સ્ટાર, ઈન્ડિયા ગેટ, ફોર્મેશન અને માર્ચ પાસ્ટ જેવી સંગીતમય પ્રસ્તુતિ શ્રોતાગણને મંત્રમુગ્ધ કરી દે છે.