બનાસકાંઠા: પાલિકાના અધિકારીઓને ગધેડા ઉપર ફેરવવા મંજૂરી આપો, જાણો ડીસામાં કોણે કરી આવી માગણી
- ડીસાના વકીલે નાયબ કલેકટર પાસે પરવાનગી માગી
- ભ્રષ્ટાચાર થી ખદબદતી પાલિકામાં કાર્યવાહી કરો
બનાસકાંઠા 7 ઓગસ્ટ 2024 : ગાડીઓમાં ફરતા પાલિકાના અધિકારીઓને શહેરની વિવિધ સમસ્યાઓ નજરે પડતી નથી. આ સમસ્યાઓથી ઘેરાયેલા ડીસા શહેરના નાગરિકો પરેશાન છે. ત્યારે પાલિકાના અધિકારીઓને તે નજરે બતાવવા માટે તેમને ગધેડા ઉપર બેસાડીને ફેરવવા માટે ડીસાના એક ધારાશાસ્ત્રીએ નાયબ કલેક્ટર પાસે મંજૂરી માંગી છે.
ડીસાના વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ ડીસાના નાયબ કલેકટર પાસે મંજૂરી માંગતો પત્ર પાઠવ્યો છે. જેમાં ડીસા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે શહેરની વિવિધ સમસ્યાઓ પાલિકાના અધિકારીઓને દેખાતી નથી, તેથી તેઓને ગધેડા ઉપર બેસાડી શહેરમાં પરિક્રમા કરાવવાની જરૂર છે અને તે માટે તેમને મંજૂરી માંગી છે.
પાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે
નાયબ કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં વકીલે જણાવ્યું છે કે, પાલિકામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. હકીકતે બાંધકામની મંજૂરીમાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. આરોપ છે કે સંબંધિત અધિકારીઓ બાંધકામની મંજૂરી અટકાવી રાખે છે અને જ્યાં સુધી લાંચની રકમ ન મળે ત્યાં સુધી મંજૂરી આપવામાં આવતી નથી.
આ ઉપરાંત નાગરિકો દ્વારા ફરિયાદો ઊઠી છે કે, વિવિધ પ્રકારના ટેકસ ઉઘરાવી રહેલી પાલિકા દ્વારા નાગરિકોને પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. જેના કારણે શહેરીજનો પરેશાન છે. મોટાભાગના અધિકારીઓ તેમની કાયદેસરની જવાબદારી પણ નિભાવતા નથી. ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે માત્ર નોટિસ આપ્યા બાદ આગળ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટરો દ્વારા કરાતા કામોમાં કમિશનનો મેળવી કામની ગુણવત્તા ને પણ નજર અંદાજ કરવામાં આવી રહી છે. નિયમ વિરુદ્ધ બાંધકામ કરનારને જે હેતુ માટે મંજૂરી આપી હોય તેના કરતાં અલગ હેતુ માટે ભ્રષ્ટાચાર કરી આકારણી કરીને ગેરકાયદેસર પ્રવૃતિને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જયારે કાયદેસરની બાંધકામ માટેની પરમિશનો પાલિકા દ્વારા લટકાવી રાખીને વિલંબ કરવામાં આવી રહ્યો છે, અને તેમાં પણ મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. જેને લઈને બંધકામ કરતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે, અને પાલિકાના ધક્કા ખાઈને કંટાળી ગયા છે. આવી પરમિશન માગનાર લોકોને યોગ્ય પ્રત્યુત્તર પણ આપવામાં આવતો નથી. જેથી આવી બાંધકામ પરમિશનો સમયસર મળવી જોઈએ તેવી માંગ પણ ઊઠી છે. સાથે તેની પણ તપાસ કરવી જોઈએ કે, બાંધકામ પરમિશન આપવામાં શા માટે વિલંબ કરવામાં આવી રહ્યો છે.
શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો અત્યારે રાફડો ફાટયો છે
તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેર માં ગેરકાયદેસર બાંધકામોનો અત્યારે રાફડો ફાટયો છે, ગેરકાયદેસર માંસ – મટનની દુકાનો પાલિકાની મહેરબાનીથી ચાલી રહી છે, હાઇકોર્ટના આદેશની તેમાં પણ સતત અવગણના કરાઈ રહી છે.આ સિવાય કચરો ઉપાડવાના તેમજ રોડના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જ્યારે કોચિંગ ક્લાસની તપાસના નામે માત્ર નાટકો જ કરવામાં આવી રહ્યા છે.આમ શહેરની પરિસ્થિતિ નર્ક જેવી બની ગઈ છે. જે પાલિકાના અધિકારીઓને નજરે પડતી નથી. જેથી આ તમામ સમસ્યાઓ તેમને બતાવવા માટે ગદર્ભ ઉપર બેસાડીને શહેરમાં ફેરવવા માટે મંજૂરી માંગી છે.આમ વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણીએ નાયબ કલેકટર પાસે આ પ્રકારની મંજૂરી માંગતા પાલિકાના અધિકારીઓ દ્વારા કરાતા વહીવટ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસાના જાણીતા વકીલ ધર્મેન્દ્રભાઈ ફોફાણી ડીસા શહેરની વિવિધ સમસ્યાઓને લઈને કોર્ટ, સરકાર તેમજ વહીવટી તંત્ર સહિત યોગ્ય સ્તરે પોઝિટિવ રજૂઆત કરી તેના નિકાલ માટે સતત પ્રયત્નશીલ રહે છે.
આ પણ વાંચો : બચત ખાતાં અને જનધનમાં મિનિમમ બેલેન્સ જરૂરી નથીઃ જાણો નાણાપ્રધાને શું કહ્યું?