બનાસકાંઠા: કોટેશ્વર મહાદેવ મંદિર નજીક સરસ્વતી નદીના ચારેય કુંડ છલોછલ
પાલનપુર: વહેલી સવારથી જ દાંતા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દાંતા તાલુકામાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાયેલી છે. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણીના ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે યાત્રાધામ અંબાજી ખાતે પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયું છે. અંબાજીના મુખ્ય માર્ગો સહિતના માર્ગો પર વરસાદી પાણી નદી જેમ વહેતો જોવા મળી રહ્યું છે. મુખ્ય માર્ગો પર અને હાઇવે માર્ગ પર પાણીના ભરાવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધોધમાર વરસાદ વરસતા અંબાજી પંથકમાં પાણી પાણી
અંબાજી પંથકમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસતા અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. તો અંબાજી નજીક આવેલા નદી નાળાઓમાં પણ પાણીનો ભારી પ્રવાહ જોવા મળી રહ્યો છે. અંબાજી નજીક આવેલા કોટેશ્વર ધામ જોડે સરસ્વતી નદીનું ઉદગમ સ્થળ આવેલું છે.
ત્યાં પણ ભારે વરસાદના લીધે સરસ્વતી નદીમાં ભારે પ્રવાહ જોવા મળી રહ્યું છે. સરસ્વતી નદીના ઉદગમ સ્થળ જોડે અને કોટેશ્વર ધામ મહાદેવના મંદિર જોડે સરસ્વતી નદીના ચાર કુંડ બનાવવામાં આવ્યા છે. તે પણ ભારે વરસાદના લીધે છલોછલ ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો સાથે સાથે મંદિર પ્રશાસન દ્વારા દર્શનાર્થીઓ અને યાત્રાળુઓને કુંડોમાં નાહવા અને પ્રવેશવા માટે મનાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં પાણીના નિકાલ માટે નગરસેવકની વેપારીઓ સાથે બેઠક