બનાસકાંઠા: ડીસામાં લાંબા વિરામ બાદ ધીમીધારે વરસાદ શરૂ
પાલનપુર: ચાલુ વર્ષે બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસુ વહેલું બેસી ગયા બાદ વરસાદ ખેંચાઈ ગયો હતો. ત્યારે ડીસા સહિત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ખાસ્સા સમયના વિરામ બાદ ફરીથી ધીમીધારે વરસાદ શરૂ થતા લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.
છેલ્લા ચાર દિવસથી અસહ્ય બફારાથી લોકો ત્રસ્ત બન્યા હતા
પ્રથમ વરસાદે જ વાવણી લાયક વરસાદ થતાં અનેક ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ વરસાદ ખેંચાઈ ગયો હતો. જ્યારે છેલ્લા ચાર દિવસથી વાતાવરણ વાદળછાયું રહેતા ભારે ગરમી અને બફારાના કારણે વરસાદની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ વરસાદે હાથતાલી દેતા લોકો ગરમી અને બફારાથી ત્રસ્ત બની ગયા હતા.
શહેરના માર્ગો પાણી પાણી થયા
ત્યારે આજે (ગુરૂવારે) સાંજે વાદળછાયા વાતાવરણ બાદ પવન સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. તેમજ લોકોએ આનંદિત થઈ વરસાદમાં ભીંજાવવાની મજા માણી હતી.
આ પણ વાંચો :TCS બાદ ટાટા સ્ટીલની મોટી કાર્યવાહી, કંપનીમાંથી 38 કર્મચારીઓની હકાલપટ્ટી