સરકારી આદેશના પગલે બનાસકાંઠા અધિક કલેકટરની આસેડા ગામની ઓચીંતી મુલાકાત
બનાસકાંઠા 06 જુલાઈ 2024 : રાજ્ય સરકારે દરેક જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને જિલ્લાના ગામોમાં આવેલ જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની ઓચિંતી મુલાકાત કરી રિપોર્ટ કરવા આપેલી સુચના ને આધારે આજે બનાસકાંઠા જિલ્લાના અધિક કલેકટર દ્વારા ડીસા તાલુકાના આસેડા ગામની મુલાકાત કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને ગામડાઓમાં આકસ્મિક મુલાકાત કરી આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળાઓ, કોલેજો, વ્યાજબી ભાવની દુકાનો, પંચાયત ઓફિસ, બેંકો સહિતની જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની પરિસ્થિતિ જાણવા તેમજ કેવા પ્રકારની કામગીરી ચાલી રહી છે તે અંગેનો રિપોર્ટ કરવાની સુચના આપવામાં આવી છે. જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લાના અધિક કલેકટર સી. પી. પટેલે આસેડા ગામની મુલાકાત કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્થળ તપાસ કરી હતી. જેમાં આરોગ્ય કેન્દ્રમાં કેવા પ્રકારની સારવાર અપાય છે, સરકારી યોજના અંતર્ગત કેવા પ્રકારના લાભો અપાય છે, આરોગ્ય કેન્દ્રમાં દવાઓના જથ્થાની ઉપલબ્ધતા, સ્ટાફ ની હાજરી, આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલા ગામોની વિગત, માસિક ઓપીડી ની વિગત, જરૂરી માળખાકીય સુવિધાઓ, સારવારના સાધનો, બ્લડ ટેસ્ટના સાધનો સહિત ની વિગતોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત અધિક કલેક્ટરે આસેડા ગામમાં આંગણવાડી, પંચાયત ઘર, અને શાળાની પણ મુલાકાત લીધી હતી.
આ અંગે અધિક કલેક્ટર સી. પી. પટેલે જણાવ્યું હતું કે, ગામડાઓની મુલાકાત લઈ જાહેર જનતા સાથે જોડાયેલી જગ્યાઓની સ્થળ ચકાસણી કરી ત્યાં ચાલતી કામગીરી, માળખાકીય સુવિધાઓ તેમજ જરૂરિયાતો અંગેનો તેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલવાશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : મેડિકલ કોલેજના તોતિંગ ફી વધારા સામે રોષ