ઉત્તર ગુજરાતગુજરાતવિશેષ

બનાસકાંઠા : ડીસાના મુડેઠા પાસે બાઈક-છકડોરિક્ષા વચ્ચે અકસ્માત,બાઈકચાલકનું મોત

Text To Speech

પાલનપુર : ડીસા-રાધનપુર હાઈવે પર મુડેઠા નજીક છકડો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજતા ભીલડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


ડીસા તાલુકાના મુડેઠા ગામે રહેતો 27 વર્ષીય પ્રહલાદ પરમાર નામનો યુવક તેના બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે મુડેઠાથી ભીલડી તરફ જઇ રહ્યો હતો. તે દરમિયાન મુડેઠા પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે સામેથી આવી રહેલો છકડોરિક્ષા અને બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક સવાર યુવક રોડ પર પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી.


અકસ્માતની જાણ થતા જ આજુબાજુના લોકો, તેના પરિવારજનો અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર અર્થે ભીલડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ નાજુક જાણતા તેને વધુ સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગે મૃતકના પરિવારજનોએ છકડોરિક્ષા ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં ધી બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ ટેક્ષ પ્રેક્ટિસનર્શ એસોસિયેશનના હોદ્દેદારોની વરાયા

Back to top button