બનાસકાંઠા : વડગામના ચિત્રોડામાં યુવકને ધોકા વડે મારમારી મોતને ઘાટ ઉતાર્યો
- પૈસાનું મનદુઃખ રાખી હત્યાને અંજામ આપ્યો
- જિલ્લા પોલીસ વડા વડગામ દોડી આવ્યા
- હત્યાની ઘટના સીસીટીવી માં કેદ સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપાયા આરોપીઓ
પાલનપુર : વડગામ તાલુકાના ચિત્રોડા ગામમાં એક યુવકને ત્રણ યુવકો દ્વારા ધોકા વડે મારમારીને મોત નિપજાવતા વડગામ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચિત્રોડા ગામના ઉમેશભાઈ બાબુલાલ પરમાર ના ત્યાં ટાઇલ્સ ફીટીગનુ કામ ચાલતું હતું.જેમા ચિત્રોડા ના જ અલ્પેશભાઇ રામાભાઈ પરમાર કામ કરતો હતો. મંગળવારના રાત્રીના સમયે ઉમેશના ઘરે રાહુલ હીરાભાઈ ઠાકોર તથા નરેશભાઇ રામાભાઈ વણકર આ ત્રણે યુવકો ભેગા મળીને અલ્પેશને પૈસા બાબતનું મન દુઃખ રાખીને ધોકા વડે માર માર્યો હતો.જેમા ઉમેશ પરમારના ત્યાં સી.સી.ટી.વી.કેમેરા લગાવ્યા હોવાથી સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. રાત્રીના સમયે આ ત્રણેય યુવકોએ અલ્પેશને ઘોકા વડે મારમારતા યુવકનું મોત નિપજ્યું હતું.
સવારે ઉમેશે અલ્પેશના કાકાને ફોન કરીને કહ્યું હતું કે, અલ્પેશ દારૂ વધુ પી ગયો હોવાથી ઉઠતો નથી, તો આવીને લઇ જાઓ. જ્યારે મૃતક યુવકના કાકા બાબુભાઈ અને તેમના ભાઇ ઉમેશના ઘરે જઇને જોતા તેમના ભત્રીજો અલ્પેશ મરી ગયો હોવાનુ માલુમ પડ્યું હતું. જેથી તેઓએ વડગામ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને સમગ્ર બાબતની તપાસ હાથ ધરી હતી. જેમાં ઉમેશના ઘરે સી.સી.ટી.વી.ચેક કરતા ત્રણ યુવકો અલ્પેશને મારમારતા હોવાનું જોવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે સીસીટીવી કબજે લઇને મૃતક યુવકની લાશને વડગામ સરકારી દવાખાનામાં પી.એમ.માટે મોકલી આપી હતી.આ અંગેની જાણ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ને થતાં જ જિલ્લા પોલીસ વડા પણ તાબડતોડ વડગામ દોડી આવી ને ઘટનાની રજે રજ મેળવી હતી.અને ગણતરીના સમયમાં જ ત્રણે આરોપીઓને ઝડપી લઇને વડગામ પોલીસ મથકે લવાયા હતા.યુવકની હત્યાના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતાં ગામમાંથી લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. યુવકના શરીરના ભાગે ઇજાઓ જોવા પોલીસને મળી હતી. ત્યારબાદ પીએમ માટેની તજવીજ હાથ ધરાઇ હતી.યુવકને મારમારીને મોત નિપજાવા થી ચિત્રોડા સહીત સમગ્ર વડગામ પંથકમાં હાહાકાર મચી ગયો છે.
ત્રણે ભેગા મળીને મારા ભાઈની હત્યા કરી : મૃતકનો ભાઈ
ઉમેશ પરમાર બુટલેગર છે.અને ચિત્રોડા માં ખુલ્લેઆમ દેશી દારુ વેચતો હતો.મારો ભાઇ તેના ઘરે કામે ગયો હતો.રાત્રીના દારૂ પીને કોઈ કારણસર અલ્પેશ અને ઉમેશ વચ્ચે બોલાચાલી થઇ હશે.જેમા ઉમેશ,રાહુલ,અને નરેશ આ ત્રણે ભેગા મળીને મારા ભાઈ ને મારમારીને હત્યા કરાઇ હોવાના આક્ષેપ કર્યો હતા.લોકોના પોલીસ સામે આક્ષેપ લોકોએ જણાવ્યું હતું કે રાત્રીના ગામના સરપંચ દ્વારા બબાલ થતા વડગામ પોલીસ ને જાણ કરાઇ હતી.પરંતુ પોલીસ આવી નહીં.જો ! પોલીસ આવી હોત તો બનાવ અટકી શક્યો હોત.
પોલીસને જાણ કરી પરંતુ પોલીસ આવી નહીં : સરપંચ
રાત્રીના અગીયાર થી સાડા અગીયાર વાગ્યાની આસપાસ વડગામ પોલીસ ને જાણ કરી હતી.પણ પોલીસ આવે છે કહીને પોલીસ આવી જ નહીં.
વડગામમાં બુટલેગરો બેફામ
વડગામ તાલુકા માં ઠેર ઠેર દેશી તથા વિદેશી દારુની હાટડીઓ ધમધમી રહી છે.બુટલેગરો બે ફામ બની રહ્યા છે.પોલીસ દ્વારા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તેવું તાલુકાભરના લોકોની માંગ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદમાં 181 અભ્યમને રેસ્ક્યુ વાનની ભેટ