ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના યુવાને અકસ્માતની ઘટનાઓ અટકાવવા સોંગ બનાવ્યું

  • સોશિયલ મીડિયામાં સોંગ વાયરલ કરી લોકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપી

પાલનપુર : બનાસકાંઠાના ડીસામાં એક યુવકે અકસ્માતોની ઘટનાઓ અટકાવવા માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે અનોખો પ્રયાસ કર્યો છે. તેના સ્વખર્ચે એક સોંગ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.

આમ તો સામાન્ય રીતે લોકો સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા અને પૈસા કમાવવા માટે વિવિધ પોસ્ટ કે સોંગ બનાવીને મુકતા હોય છે, પરંતુ ડીસાના એક વ્યક્તિએ લોકોમાં ટ્રાફિક અંગેની જાગૃતિ આવે અને વધી રહેલા અકસ્માતોની ઘટનાઓ અટકે તે માટે એક સોંગ બનાવ્યુ છે. ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે મેવાડા એસી, ફ્રીજનો વ્યવસાય કરતા રાધેશ્યામ મેવાડા રોજબરોજ થતા અકસ્માતો જોઈ અને સમાચાર સાંભળી તેમના મનમાં આ ઘટનાઓને અટકાવવા માટે એક વિચાર આવ્યો અને એ વિચારના અમલ માટે તેમણે પ્રયાસો શરૂ કર્યા. બાદમાં તેમને તેમના મિત્રો સાથે મળી એક ગીત બનાવ્યું જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો કેવા અકસ્માતનો ભોગ બને છે તે દર્શાવવામાં આવ્યું છે.

આ અંગે રાધેશ્યામ મેવાડાએ જણાવ્યું હતું કે, તેમની દુકાન આખોલ ચાર રસ્તા પાસે આવેલી હોવાથી અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા તેઓ જોતા હોય છે. જેમાં મહત્તમ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા લોકો જ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે રોજની આવી ઘટનાઓ જોઈ તેમના મનમાં વિચાર આવ્યો કે આવી ઘટનાઓ અટકાવા માટે આપણે પણ કંઈક કરવું જોઈએ. ત્યારબાદ તેમને એક ગીત બનાવ્યું અને એ ગીત બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે.

અત્યારે લોકો સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. જેથી મેં પણ સોશિયલ મીડિયા થકી લોકોને જાગૃત કરવા માટેનો આ એક પ્રયાસ કર્યો છે. તેમણે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, તમામ લોકોએ ટ્રાફિકના નિયમોનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. ટ્રાફિક પોલીસ આપણા સૌ માટે ગમે તેવી પરિસ્થિતિમાં પણ રોડ વચ્ચે ઊભા રહીને ટ્રાફિક નિયમન કરે છે. તો આપણે પણ આપણી નૈતિક ફરજ અને જવાબદારી સમજી હેલ્મેટ પહેરવું જોઇએ. સિટબેલ્ટ બાંધવો જોઈએ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી આપણે અને અન્ય લોકો સુરક્ષિત રહી શકે.

આ પણ વાંચો : બનાસકાંઠા : રાણપુર પાસે બનાસ નદીમાંથી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર, 1 હિટાચી મશીન સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત

Back to top button