બનાસકાંઠા : ડીસામાંથી સગીરાને પાટણનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો
બનાસકાંઠા 12 જૂન 2024: ડીસા શહેરના માર્કેટયાર્ડ પાછળ આવેલી સોસાયટીમાં રહેતા પરિવારની સગીરાને પાટણનો યુવક લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે, ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલી હિમાલય સોસાયટીમાં રહેતા ચેતનાબેન ભરતભાઈ મોદી તેઓના પુત્ર અને પુત્રી સાથે રહે છે અને રસોડાના છૂટક કામ કરે છે. તેઓ તેમના બે સંતાનો સાથે ગત રાત્રે ધાબા પર સુતા હતા ત્યારે સવારે 4:00 વાગ્યે તેઓની સગીર દીકરી પોતાની પથારીમાં ન જણાતા તેઓએ તેમના પુત્રને જગાડી શોધખોળ હાથ ધરી હતી તેમજ તેઓના સગા સંબંધીઓને ફોન કરતા તેઓ પણ ઘરે આવી ગયા હતા. જે દરમિયાન ચેતના બેને જણાવ્યું હતું કે, અગાઉ તેઓની સોસાયટીમાં રહેતા અને હાલમાં ધોળીયાકોટ બાજુ રહેતા નરેશભાઈ રાવળનો સાળો વિજય રાવળ રહેવાસી જલારામ મંદિર પાસે, પાટણ તેઓની સગીર દીકરી સાથે ફોન પર વાતચીત કરતો હતો. આથી તેમના સંબંધીઓએ નરેશભાઈ રાવળનો સંપર્ક કરતા તેમનણે જણાવેલ કે, ‘તે સવારે અહીંથી નીકળી ગયેલ છે તમારે કાયદેસર જે કરવું હોય તે કરો’. જેથી ચેતનાબહેને ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓની સગીર દીકરીને વિજય રાવળ રહે. જલારામ મંદિર પાસે, ગુંગડી રોડ, પાટણ વાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયો છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : વૈષ્ણોદેવી શ્રદ્ધાળુઓના હુમલાના વિરોધમાં ડીસામાં આતંકવાદના પૂતળાનું દહન