બનાસકાંઠા: ડીસાના વાસણામાં રેતી ભરવા આવેલ ટ્રક ચાલકને કરંટ લાગતા મોત
- ટ્રક પર તાડપત્રી ઢાંકવા જતા વીજ વાયરને અડી જતા ઘટના સર્જાઈ
પાલનપુર : ડીસા તાલુકાના વાસણા ગામે નદીમાંથી રેતી ભરી બહાર આવેલી ટ્રકમાં તાડપત્રી ઢાંકતી વખતે ઉપર પસાર થતી વીજ લાઈનનો કરંટ લાગતા ટ્રક ડ્રાઇવરનું મોત નિપજ્યું હોવાની ઘટના સર્જાઈ છે. જેમાં ડીસા તાલુકા પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના ભારતે કી બેરી ખારી ગામે રહેતા રામચંદ્રરામ હરીરામ વિષ્નોઈ પોતાની ટ્રકમાં રાજસ્થાનથી જીરુ ભરીને ઉંઝા આવ્યા હતા અને વળતા ડીસાથી ખાલી ટ્રકમાં રેતી ભરીને રાજસ્થાન જવાના હતા. તે દરમિયાન તેઓ ડીસાના જુનાડીસા થી વાસણા ગામે ગયા હતા. જ્યાં કવોરીમાંથી રેતી ભરીને બહાર આવી કાંટો કરાવી ટ્રક ઉપર તાડપત્રી ઢાંકી રહ્યા હતા, તે સમયે ઉપર થી પસાર થતી વીજ લાઈનને અડી જતા તેઓને કરંટ લાગતા ટ્રકમાજ પટકાયા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ અને મૃતકના પરિવારજનો બનાવ સ્થળે પહોંચ્યા હતા તેમજ પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી.આ બનાવ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: અંબાજી ખાતે વન બંધુઓ તેમના સાંસ્કૃતિક વારસા પ્રમાણે વાજિંત્રો લઈ આવ્યા માઁ અંબાને દર્શને