બનાસકાંઠા: ડીસા થી દાંતીવાડા વચ્ચે આવેલી ભાખરની પર્વતમાળાના અસ્તિત્વ સામે જોખમ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસા થી દાંતીવાડા વચ્ચે આવેલી ભાખરની સુંદર અને મનોહર પર્વતમાળા નું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. સરકારે આ પર્વતમાળાઓ લીઝથી આપી દેતા પહાડ ખોદવાની શરૂઆત થતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. પહાડ ખોદકામ કામગીરી દરમિયાન બ્લાસ્ટિંગ થવાથી પર્યાવરણ, પશુ, પક્ષીઓ સહિત ખેડૂતોના ઘરો, ખેતરો, ટ્યુબવેલને મોટું નુકસાન થવાની ઉપરાંત ભાખર સહિત આજુબાજુના ગામોના લોકોની આસ્થા અને ધરોહર નેસ્ત નાબૂદ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.
સરકારે ભાખરનો પહાડ ખોદવા લીઝ મંજુર કરતા ગ્રામજનો નો વિરોધ
ડીસા થી દાંતીવાડા રોડ પર ભાખરની પર્વતમાળાઓ આવેલી છે. સમગ્ર વિસ્તારને રળિયામણો બનાવતી આ પર્વતમાળાઓનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. આ પર્વતમાળામાં માર્બલ, આરસ સહિતના કિંમતી પથ્થરો હોવાથી છેલ્લા ઘણા સમયથી ખનન વ્યવસાયીઓની નજર આ પર્વતમાળા પર હતી. ત્યારે હવે
રાજ્ય સરકારે આ પર્વતમાળા ખનન વ્યવસાયીઓને લીઝથી આપી દેતા લીઝ હોલ્ડરો દ્વારા બ્લાસ્ટિંગ કરી પહાડ ખોદવાની કામગીરી શરૂ કરી છે. બ્લાસ્ટિગ ના અવાજથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે.
જેમાં આ પર્વતમાળામાં આવેલ સુપ્રસિદ્ધ અને સમગ્ર વિસ્તારના આસ્થાના કેન્દ્ર ઇસમાંની માતાના મંદિરના મહંત પૂ. રઘુનાથગીરી મહારાજના સાનિધ્યમાં આજે નાની ભાખર મોટી ભાખર સહિત આજુબાજુના ગામના લોકો શંકર ભગવાનના મંદિરે એકત્ર થઈ આ પર્વતમાળા નું અસ્તિત્વ બચાવવા જિલ્લા કલેકટર,ધારાસભ્ય, સાંસદ અને રાજ્ય સરકારને રજૂઆત કરવા સહી ઝુંબેશ હાથ ધરી હતી. ગ્રામજનો આ અંગે મોટી લડત લડી લેવાના મૂડમાં જણાયા હતા.
પહાડ ખોદવા કરાતા બ્લાસ્ટિંગ થી પર્યાવરણ ઉપરાંત ખેડૂતોના ઘરો,ખેતરો, ટ્યુબવેલને નુકસાન
આ અંગે ગામના આગેવાનો બળવંતસિંહ વાઘેલા,અંદરસિંહ વાઘેલા,દશરથસિંહ વાઘેલા મેતુસિંહ વાઘેલા અને કેદારસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, આ પર્વતમાળાઓ ભાખર મોટી, ભાખર નાની, ભાખરખેડા, કોટડા ભાખર સહિત આજુબાજુના ગામોની ધરોહર છે અને અમારી ઇષ્ટ દેવી ઈસ્માની માતાનું સ્થાનક અને આસ્થા સાથે જોડાયેલી છે.સમગ્ર વિસ્તારને મનોહર બનાવતી આ પર્વતમાળાઓ અનેક લોકો માટે પિકનિક પોઇન્ટ અને ટ્રેકિંગનું સ્થળ છે. અહીં પહાડ ઉપર ઇસમાની માતાનું મંદિર,ગુરુ મહારાજનું મંદિર સહિત નાના દેરાઓ પણ આવેલા છે તેમ જ આ જગ્યાનું પૌરાણિક મહત્વ છે.પાંડવોએ પણ અહીં વનવાસ કરેલો છે. ત્યારે સરકાર હવે આ પહાડને ઉદ્યોગપતિઓના હવાલે કરી તેનું નિકંદન કાઢવા જઈ રહી છે.
કુદરતી સંપદાઓ પર જેટલો અધિકાર સરકારનો છે તેટલો જ અધિકાર આ વિસ્તારના લોકો, પશુ, પક્ષી, વન્ય જીવોનો પણ રહેલો છે. જો આ રીતે ખોદકામ ચાલશે તો આ પહાડ નું અસ્તિત્વ મટી જશે તેમજ આજુબાજુ વસતા લોકો, કુદરતી સૌંદર્ય, પ્રકૃતિ તેમજ પ્રકૃતિ સાથે સંકળાયેલા લોકોનું અસ્તિત્વ પણ નહીં રહે. આ ખોદકામથી થતા બ્લાસ્ટિંગથી આજુબાજુના ગામોના ઘરો, ખેતરો,ટ્યુબવેલ ને પણ મોટું નુકસાન થશે. આ ઉપરાંત ખનન કામથી ઉડતી રજથી આ વિસ્તારના લોકોનું આરોગ્ય જોખમાશે તેમજ આ બારીક રજ તેમજ સૂક્ષ્મ પાવડર ખેતરોમાં પથરાશે જેનાથી ખેતીલાયક જમીન પણ નષ્ટ થશે અને ખેતીનું પણ નિકંદન નીકળી જશે. આ અંગે સમગ્ર ગ્રામજનો જિલ્લા કલેકટર થી લઈ સરકાર સુધી રજૂઆત કરશે અને આ બ્લાસ્ટિંગ બંધ નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.
આ પણ વાંચો : હરિયાણા: નૂહ-ગુરૂગ્રામમાં રમખાણો પછી 5000 મુસ્લિમ વેપારીઓએ કરી હિજરત