ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો સિયાવા નો મહામેળો

Text To Speech

પાલનપુર: ગુજરાત અને રાજસ્થાન સરહદ પરના વિવિધ ગામોમાં આદિવાસી સમાજની બહુમતી છે અને આજે પણ આ સમાજના લોકોમાં મેળા અને તહેવારોનો મહિમા અનેરો છે. આ સમાજના લોકો મોટેભાગે જંગલોમાં છુટા છવાયા ઘર માંડી રહે છે અને વારે તહેવારે ભરાતા મેળાઓમાં બધા સાથે મળીને આવતા હોય છે. ત્યારે આવો જ એક મેળો કલા અને આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે. આ મેળો અંબાજીથી આબુના માર્ગ પર સિયાવા નદીના કિનારે ભરાય છે. અને આ મહામેળામાં આદિવાસી સમાજ આવી નાચગાન કરી આનંદ મેળવે છે અને બાદમાં જલોઈ ફળીયા વાળા લોકો શિવ પાર્વતીની મૂર્તિ સાથે ઝવેરા સાથે બાળકીઓ આવે ત્યારે મેળાની પૂર્ણાહુતિ થાય છે.

અંબાજી થી આબુના માર્ગ પર આ મેળા માં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટે છે

આ મહામેળામાં ભારે ભીડ હોવાના કારણે આબુ અને અંબાજીનો હાઇવે માર્ગ પોલીસ તરફથી બંધ રાખવામાં આવ્યો હતો. જોકે ઇમરજન્સી સેવાઓ માટે આ માર્ગ પર જવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પ્રાચીનકાળથી મેળો ભરાય છે. મેળામાં આદિવાસી સમાજની જાંખી અને વિવિધ કલાઓના દર્શન થાય છે. અહીં મેળા જેવું વાતાવરણ હોય છે દુકાનો લાગે છે. ઝૂલાઓ અને વિવિધ ખાણીપીણીની દુકાનો લાગે છે અને આદિવાસી સમાજની બહેનો અને ભાઈઓ વિવિધ ડ્રેસોમાં નાચગાન કરી મેળાનો આનંદ માણે છે.

આટલી ગરમીમાં પણ સિયાવા મેળો નદી કાંઠે ભરાયો હતો અને આ મેળો પ્રાચીન કાળથી ભરાય છે. આ મેળાની ખાસિયત એ છે કે સાદડી ગામમાં મેળો ભરાયો હતો. ત્યારે સિયાવા ગામના ભાઈઓ રાજસ્થાન જઈ આ મેળામાંથી એક છોકરી ઉપાડી સિયાવા ગામમાં લઇ આવ્યા હતા અને આ છોકરી અહીં આવી લોકોને અને ગ્રામજનોને ભારે હેરાન કરવા લાગી આથી ગ્રામજનોને માલુમ પડ્યું કે, આ દેવીનો અવતાર છે.

ત્યારે ગ્રામજનો આના ઉપાય માટે બુધ્ધિજીવી લોકો પાસે ગયા અને આ નદી પાસે ગણગોર શિવ પાર્વતીની મૂર્તિ બનાવી પૂજા કરવાની વાત કરી અને આજ કારણે દર વર્ષે અહીં જલોયા ફળીના લોકો આજના દિવસે શિવ અને પાર્વતીની મૂર્તિ જંગલની વસ્તુઓથી બનાવી નાચતા કુદતા સિયાવા ગામ આવે છે. આ શોભાયાત્રામાં આદિવાસી સમાજની બહેનો નાચગાન કરી અહીં નદી કાંઠે પૂજા વિધિ કરે છે, ત્યારબાદ મેળાની પૂર્ણાહુતિ થાય છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: પાલનપુરના માલણ ગામની પ્રાથમિક શાળા અદ્યતન સુવિધાઓથી સજ્જ

Back to top button