બનાસકાંઠા: ડીસામાં માત્ર બે માસ અગાઉ બનેલ રોડ સામાન્ય વરસાદમાં ધોવાયો
પાલનપુર: ડીસામાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીના કારણે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. માત્ર બે મહિના અગાઉ જ બનેલો રોડ સામાન્ય વરસાદમાં જ તૂટીને મોટા ખાડા પડી જતા પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલી કારનો અકસ્માત સર્જાયો હતો.
NHAIની કામગીરીની પોલ ખુલી
ડીસા-પાલનપુર હાઇવે પર આવેલ પ્રાઇમ હોટલની સામે છેલ્લા ત્રણ વર્ષથી ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો માનસિક યાતના ભોગવી રહ્યા હતા. ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ડીસામાં પ્રવીણ માળી ધારાસભ્ય બનતા જ તેમને સૌ પ્રથમ હજારો વાહન ચાલકોની મુશ્કેલીઓને હલ કરવા માટે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે બેઠક યોજીને રોડ બનાવવાની સૂચના આપી હતી. તે બાદ નેશનલ હાઇવે ઓથોરિટીએ તાત્કાલિક ધોરણે અહીં રોડ બનાવ્યો હતો, પરંતુ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની દેખરેખ હેઠળ બનેલો આ રોડ માત્ર બે મહિનામાં જ તૂટી ગયો છે.
હજારો વાહનચાલકોને મુશ્કેલી
ડીસામાં હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને એ પણ સામાન્ય વરસાદ થયો છે. તેમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની કામગીરીની પોલ ખુલી ગઈ છે અને બે મહિના પહેલા જ બનાવેલો રોડ તૂટી જતા અનેક વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. જ્યારે મોડી રાત્રે પસાર થઈ રહેલી કાર અચાનક ખાડામાં ખાબકતા ફંગોળાઈને ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેથી કાર માલિકને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.
આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેના ‘કલંક’ના નિવેદન પર ફડણવીસનો પ્રહાર, કહ્યું- ‘તેમને મનોચિકિત્સકની જરૂર’