બનાસકાંઠા: ડીસામાંથી ફરી રહેણાંક મકાનમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો


- ડીસા શહેરમાંથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો
- શહેર દક્ષિણ પોલિસે 28 રીલ જપ્ત કરી મકાન માલિક સામે કાર્યવાહી હાથ ધરી
ડીસા, 03 જાન્યુઆરી: ઉત્તરાયણ આવતાની સાથે જ ચાઈનીઝ દોરીની હેરાફેરી શરુ થઈ ગઈ છે. સરકાર દ્વારા ચાઈનીઝ દોરી પર રોકલગાવ્યા પછી પણ લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ બંધ નથી કરી રહ્યા. ત્યારે આજે ફરી બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાંથી પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સહિત શખ્સને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા સહિત સમગ્ર ગુજરાતમાં નાયલોન અથવા સિન્થેટિક પદાર્થની કોટેડ કરેલ હોય અને નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. તેમ છતાં પણ કેટલાક વેપારીઓ વધુ નફો કમાવવાની લાયમાં આ પ્રતિબંધિત દોરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમયે હુસેની ચોક પાસે એક શખ્સ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાથી માહિતી મળી હતી.
જેથી પોલીસે ખાનગી રહે તપાસ શરૂ કરી હુસેની ચોક પાસે આવેલ રાવળવાસમાં દરોડા પાડતાં ચેતન નટવરભાઇ પટણીના મકાનમાંથી શંકાસ્પદ દોરીનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે તપાસ કરતાં ઝડપાયેલ દોરીનો જથ્થો ચાઈનીઝ દોરી હતી. જેથી પોલીસની ટીમે ચાઇનીઝ દોરીના 28 રીલ મળી કુલ રૂ. 11,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મકાન માલિક ચેતન પટણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા: ડીસામાં તાપમાન ઘટતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા