બનાસકાંઠા : ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં વાલી સભા યોજાઇ
બનાસકાંઠા 02 જુલાઈ 2024 : ડીસાની વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન સંસ્કાર મંડળ-ડીસા સંચાલિત આદર્શ વિદ્યા સંકુલમાં ડૉ. કેશવ બલીરામ હેડગેવાર વંદના કક્ષામાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની વાલી મંડળ સમિતિ દ્વારા વાલી સભાનું આયોજન કરાયું હતું. વાલીઓનું કુમકુમ તિલક વડે સ્વાગત, વાલીઓ દ્વારા દીપ-પ્રાગટ્ય અને વંદના દ્વારા પ્રારંભિત થયેલ સભામાં ઉપસ્થિતઓનું શાળાના પ્રધાનાચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. જ્યારે શાળાની શિસ્ત અને સુવિધાઓ અંગે વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળાના શિક્ષક ચિરાગભાઇ પંચાલ દ્વારા શાળાની સિદ્ધીઓનો ચિતાર રજૂ કર્યો હતો અને વાલી પ્રશિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સંસ્કાર મંડળના મંત્રી અને પ્રમુખ દ્વારા વાલીઓને વિદ્યાર્થીઓની કેળવણી માટે, સામાજીક સમરસતા, રાષ્ટ્ર ઉત્થાનમાં સહયોગ અને શાળા વિકાસમાં ભાગીદારી અન્વયે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર દ્વારા ઉપસ્થિત તમામની આભાર વિધી ઉપરાંત લોકશાહી ઢબે માતૃ-પિતૃ મંડળની કારોબારીની રચના કરાઇ હતી. અંતે કલ્યાણ મંત્ર દ્વારા શુભ વિચારોની આપ-લે થઇ હતી. આજની વાલી સભામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી સાધના સાહીત્ય સ્ટોલ અને વિદ્યા ભારતીના વાર્ષિક પ્રકલ્પ રાજમાતા અહલ્યાબાઇ સેલ્ફી પોઇન્ટનું અનોખુ આકર્ષણ રહ્યું હતું. વાલી સભામાં ઉપસ્થિત 580 વાલીઓનું રજીસ્ટ્રેશન કરાયું હતું. શિક્ષણ અને સંસ્કાર સાથે વિદ્યાર્થી ઘડતરના આ પ્રયાસને સંસ્કાર મંડળ-ડીસા અને સભામાં ઉપસ્થિત વાલીઓએ બિરદાવી તમામ આદર્શ પરિવારને અભિનંદન આપ્યા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠા: બનાસ નદીમાં લીઝ ધારકોએ નદીના બંને ભેખડ સાઈડ રસ્તો બનાવી અવરજવર કરવી પડશે