ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં તમાકુના ખેડૂતોની એક જ દિવસની લડત રંગ લાવી

  • તમાકુના રૂ. 1000 થી લઈને 2080 સુધી પ્રતિમણના ભાવ પડ્યા

પાલનપુર: ડીસા માર્કેટ યાર્ડમાં સોમવારે તમાકુની સીઝનની પ્રથમ હરાજી શરૂ થતા ખેડૂતોને પોષણક્ષમભાવો ન મળતા ખેડૂતોએ હરાજીનું કામકાજ અટકાવી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેનું ફળ ખેડૂતોને એક જ દિવસમાં મળી ગયું છે. બીજા જ દિવસે તમાકુની હરાજીમાં ખેડૂતોને ₹1,000 થી લઈ 2080 સુધી પ્રતિમણના ભાવ મળ્યા છે. તેમજ ડીસામાં રેકોર્ડ બ્રેક 70,000 બોરીનું એક જ દિવસમાં વેચાણ થયું હતું.

માર્કેટયાર્ડ-humdekhengenews

બીજા જ દિવસે ખેડૂતોને ડબલથી વધુ ભાવ મળ્યા

ડીસા માર્કેટયાર્ડમાં આ વર્ષે તમાકુના સીઝનની પ્રથમ હરાજી સોમવારે શરૂ થતા જ વેપારીઓએ ₹700 પ્રતિ મણ ભાવથી હરાજી શરૂ કરતાં ખેડૂતો વિફર્યા હતા તેમજ પોષણક્ષમ ભાવના મળવાના મુદ્દે ખેડૂતોએ હલ્લાબોલ કરી માર્કેટ ઓફિસ આગળ ધરણા કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે હરાજીનું કામકાજ મુલતવી રાખવામાં આવ્યું હતું .ત્યારે મંગળવારે હરાજીનું કામકાજ ફરીથી શરૂ થતા તમાકુના રૂપિયા 1000 પ્રતિ મણના ભાવથી હરાજી શરૂ થતા ખેડૂતોને અલગ અલગ વક્કલ પ્રમાણે રૂપિયા 2080 પ્રતિ મણના સુધીના ભાવ મળ્યા હતા.

ડીસામાં રેકોર્ડ બ્રેક 70 હજાર બોરીનું વેચાણ

માર્કેટયાર્ડમાં બે દિવસની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી. સોમવાર અને મંગળવારની થઈ કુલ ૭૦ હજારથી વધુ બોરીના ડીસા માર્કેટ યાર્ડમાં વ્યાપાર થયા હતા. ડીસા માર્કેટ યાર્ડના સેક્રેટરી એ. એન. જોશી ના જણાવ્યા મુજબ,ગઈકાલે હરાજી મુલતવી રહ્યા બાદ આજે ફરીથી હરાજીનું કામકાજ શરૂ થતા વેપારીઓએ પોષણક્ષમ ભાવની બોલી લગાવી હતી. જેમાં ખેડૂતોને 2080 સુધીના ભાવ મળ્યા છે. તેમજ બે દિવસની આવક ભેગી થતા માર્કેટ યાર્ડમાં 70000 થી વધુ બોરીનું વેચાણ થયું હતું.

ઓછા ભાવ મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો

ડીસા માર્કેટ યાર્ડમાં સોમવારે સીઝનની તમાકુની પ્રથમ હરાજી શરૂ થતા આ વર્ષે વારંવાર માવઠાના કારણે તમાકુ પલળી ગયેલી હોવાથી વેપારીઓએ માત્ર રૂપિયા 700 પ્રતિમણના ભાવથી બોલી શરૂ કરી હતી. જેનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો તેમજ માર્કેટયાર્ડ ઓફિસે રજૂઆત કરી ધરણા કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચાર પણ કર્યા હતા. જેના કારણે હરાજીનું કામકાજ પણ મુલતવી રાખવામાં આવ્યું હતું. ખેડૂતોની એક જ દિવસની લડતથી ડબલ ફાયદો થયો હતો.

આ પણ વાંચો :સિક્કિમના નાથુલા સરહદી વિસ્તારમાં ભારે હિમપ્રપાત, મૃત્યુઆંકમાં વધારો

Back to top button