બનાસકાંઠા: પાલનપુરમાં બનશે 9 કરોડ 40 લાખના ખર્ચે મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ
પાલનપુર: રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાલનપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત સંકુલ, ધનિયાણા ચોકડી, પાલનપુર ખાતે આજરોજ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલનો ભૂમિપૂજન કાર્યક્રમ બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં 9 કરોડ 40 લાખના ખર્ચે બનનાર મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલનું સમારોહના અધ્યક્ષ અને ઉદ્દઘાટક પરબતભાઇ પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા રમત સંકુલ ખાતે સાંસદ પરબત પટેલના હસ્તે કરાયું ભૂમિપૂજન
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન મળે એ માટે ગુજરાત સરકાર દ્વારા ” ખેલશે ગુજરાત , જીતશે ગુજરાત ” ના સૂત્ર થકી ખેલ કુદને મહત્વ આપવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષભાઈ પટેલના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ માટે 8 કરોડ 64 લાખ કરતાં વધુ રકમની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લાના યુવાનો આ સંકુલનો લાભ લે અને રમત ગમતમાં રસ ધરાવનાર સૌ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
પાલનપુરમાં ધનિયાણા ચોકડી પાસે 6 એકર વિસ્તારમાં જિલ્લા રમત સંકુલ આવેલું છે. જેમાં નિર્માણ પામી રહેલ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિશ, વોલિબોલ, બાસ્કેટબોલ, જિમ, યોગા , જુડો, અને કુસ્તીની સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે. જેનો લાભ લઇ યુવાનો અને રમતવીરો વિવિધ ખેલ કુદ સ્પર્ધામાં ભાગ લેવા સજ્જ બની શકશે અને આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે જિલ્લાને ગૌરવ અપાવશે. આ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ રમત ગમતમાં રસ ધરાવતા યુવાઓ માટે સપના સાકાર કરવાનું કેન્દ્ર બની રહેશે.
ભૂમિપૂજન સમારોહ પ્રસંગે પાલનપુર નગરપાલિકા પ્રમુખ સુશ્રી કિરણબેન રાવલ, જિલ્લા ભાજપ મંત્રી અમરીશપુરી ગોસ્વામી, શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રીઓ અતુલભાઈ જોશી, પ્રશાંતભાઈ ગોહિલ, વિમળા વિધાલયના કેમ્પસ ડિરેક્ટર પ્રવીણભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :ગુજરાતમાં કોરોના સાથે આ રોગે ભરડો લીધો, ત્રણ મહિનામાં 101 કેસ