બનાસકાંઠા : અંબાજીમાં પદયાત્રીઓનો થાક ઉતારી દેતું આધુનિક ફૂટ મસાજર મશીન
પાલનપુર: પવિત્ર યાત્રાધામ અંબાજી તરફના માર્ગો પદયાત્રીઓ અને માઇભક્તોના જય અંબે, બોલ માડી અંબે……ના નાદથી જીવંત થઈ ઉઠ્યા છે, ભાવિક ભક્તોનો અવિરત પ્રવાહ દિવસ રાત જોયા વિના માં ના ચરણમાં શીશ નમાવવા આતુરતાથી ધસી રહ્યો છે. એક તરફ શ્રધ્ધાળુઓનો સાગર ઉમટી રહ્યો છે, તો બીજી તરફ શ્રદ્ધાળુઓની સેવા માટે અંબાજી તરફના માર્ગો પર ઉભા કરાયેલા સેવાકેમ્પો “સેવા એજ પરમો ધર્મ” ના સૂત્રને સાર્થક કરી રહ્યા છે. જેમાં હજારો સેવાભાવી ભક્તો પદયાત્રીઓની સેવા સુશ્રુષા કરી ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે.
૫૦ જેટલાં મશીનો થોડીક જ મિનિટોમાં કરાવે છે ઉર્જાનો અહેસાસ
દૂર દૂરથી આવતા પદયાત્રિકો- દર્શનાર્થીઓ માટે આવા સેવા કેમ્પોમાં સેવાભાવી માઇભક્તો યાત્રિકોની માલિશ અને મસાજ કરી પુણ્યનું ભાથું મેળવી રહ્યા હોવાની અનુભૂતિ સાથે સેવાનો ધર્મ નિભાવી રહ્યા છે.
અંબાજીમાં પદયાત્રિઓનો થાક ઉતારી દેતું આધુનિક ફૂટ મસાજર મશીન
૫૦ જેટલાં મશીનો થોડીક જ મિનિટોમાં કરાવે છે ઉર્જાનો અહેસાસ#ambaji #footmassage #machine #padyatri #padyatra #Palanpur #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/6hqYSrohbl
— Hum Dekhenge News (@humdekhengenews) September 7, 2022
અંબા અમર સેવા કેમ્પની અનોખી સેવા
અંબાજીની નજીક કોલેજની સામે અંબા અમર સેવા કેમ્પમાં સૌ પ્રથમવાર યાત્રિકોની થકાન દૂર કરવા પગની મસાજ કરતા મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાના આટલા વર્ષોના ઇતિહાસમાં આ સુવિધા સૌ પ્રથમ વાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લઇ રહ્યા છે. ફૂટ મસાંજર મશીન થોડીક જ મિનિટોમાં યાત્રાળુઓનો થાક દૂર કરી તેમને રાહત આપે છે. જેના લીધે આ મશીન યાત્રિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર આનંદ પટેલે પણ આ સેવા કેમ્પની મુલાકાત લઈ આયોજકોની સેવાભાવનાની સરાહના કરીને સુવિધાને વખાણી છે.
અંબા અમર સેવા કેમ્પની અનોખી સેવા
અંબાજીની નજીક કોલેજની સામે અંબા અમર સેવા કેમ્પમાં સૌ પ્રથમવાર યાત્રિકોની થકાન દૂર કરવા પગની મસાજ કરતા મશીનની વ્યવસ્થા કરવામાં આવી છે.#ambaji #sevacamp #footmassage #machine #padyatri #Palanpur #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/jMPlrXtqEY
— Hum Dekhenge News (@humdekhengenews) September 7, 2022
પદયાત્રીઓ કષ્ટ સહન કરતા જેથી વિચાર આવ્યો
અમદાવાદના માઇભક્ત અને સેવાભાવી યુવક ભાઈઓ મૌલિકભાઈ પરબ અને જીતુભાઇ પરબ દ્વારા અંબાજી ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજની સામે યાત્રિકોની સેવા માટે અંબા અમર સેવા કેમ્પની સુંદર સુવિધા પૂરી પાડવામાં આવી છે. જેમાં યાત્રિકોને બે ટાઈમ ભોજન પ્રસાદ, ચા નાસ્તો, ફળફળાદી, આઈસ્ક્રીમ, મેડિકલ સુવિધાઓ સાથે યાત્રિકોનો થાક દૂર થાય એ માટે આધુનિક મશીન દ્વારા પગની મસાજ સાથે એક્યુપંચર થાય એવી સરસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ નાનકડા મશીન પર બેસતાં જ થાકેલા યાત્રિકો પાંચ મિનિટમાં તો રાહત અને નવા ઉત્સાહની અનુભૂતિ મેળવી પગપાળા યાત્રાનો થાક, કષ્ટ અને દુઃખ ભૂલી એક નવી ઉર્જાનો અહેસાસ અનુભવે છે. એક સાથે ૫૦ જેટલાં યાત્રિકો આ સુવિધાનો લાભ મેળવી શકે એ માટે 50 આધુનિક ફૂટ મસાંજર મશીન સેવાકેમ્પમાં યાત્રિકોની સેવાર્થે મુકવામાં આવ્યા છે. આ મશીન પગની આંગળીઓ, અંગુઠાથી માંડી ઢીંચણ સુધી મસાજ અને એક્યુપંચર કરે છે જેનાથી યાત્રિકોને તરત રાહત અનુભવાય છે અને તેમનો થાક દૂર થાય છે.
મેળાના ઇતિહાસમાં આવી પ્રથમવાર સેવા
અંબાજી મેળામાં આ પ્રકારની સુવિધા સૌ પ્રથમ વાર શરૂ કરવામાં આવી છે. જેનો યાત્રિકો મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. અને આ મશીન યાત્રિકોમાં આકર્ષણ જમાવી રહ્યું છે ત્યારે આ સુવિધા અંગે સેવા કેમ્પના આયોજક મૌલિકભાઈ પરબે જણાવ્યું હતું કે અંબાજી આવતા પદયાત્રિકો સેવા કેમ્પમાં પગની માલિશ કરાવવામાં સંકોચ અનુભવતા હોય છે અને ઘણીવાર પદયાત્રીઓને એવું લાગતું હોય છે કે આ સેવા થકી તેમની પદયાત્રાનું પુણ્ય સેવા કરનારને પ્રાપ્ત થશે જેના કારણે પદયાત્રિકો કષ્ટ સહન કરીને પણ પગની માલિશ કે મસાજ જેવી સેવા લેવાનો અનાદર કરે છે. યાત્રિકોની આ મુંઝવણને દૂર કરવા આ આધુનિક મશીન સેવા કેમ્પમાં ઉપલબ્ધ કરાવ્યા છે જેથી યાત્રિકોની શ્રદ્ધા પણ જળવાઈ રહે અને અમારો સેવાનો હેતુ પણ પૂરો થાય એવી ઉમદા ભાવનાથી અમે આ મશીનની સેવા પૂરી પાડી છે. વધુમાં તેમણે કલેકટર અને જિલ્લા વહીવટી તંત્રએ પદયાત્રીઓની સેવા માટે સેવા કેમ્પની સુવિધા ઉભી કરવાની તક આપી એ બદલ સમગ્ર વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કલેકટરે સેવાને બિરદાવી
જિલ્લા કલેકટર આનંદ પટેલે પણ આ સેવા કેમ્પની મુલાકાત લઇ આધુનિક ફૂટ મસાજ મશીનની સેવા યાત્રિકો માટે આશીર્વાદરૂપ હોવાનું જણાવી તેમની સેવભાવનાને બિરદાવી હતી.
પદયાત્રાનું દુઃખ હળવું થયું
આધુનિક ફૂટ મસાજરનો લાભ લેનાર પદયાત્રી ઉર્મિલા દરજીએ જણાવ્યું કે, હું અમદવાદ- દાંતા થઇ ચાલીને આવી છું. મારા પગમાં બહુ કળતર થતી હતી પણ મસાજ કરાવ્યા પછી હવે હું રિલેક્સ થઇ છું. તેમણે આ સેવાના વખાણ કરી આ સુવિધા થકી અમને અમારું પદયાત્રાનું દુઃખ, કષ્ટ હળવું થયું હોવાની સાથે થાક દૂર થયો હોવાથી અનુભૂતિ થઈ હોવાનું જણાવ્યું હતું.
100 સેવાભાવી સેવકો દિવસ- રાત યાત્રિકોની સેવામાં ખડેપગે
અંબા અમર સેવા કેમ્પના આયોજકો દ્વારા મેળામાં પ્રથમ વાર જ સેવાકેમ્પની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સેવા કેમ્પના આયોજકો પહેલા જલિયાણ સદાવ્રત અંબાજીમાં સેવા આપતા હતા. ચાલુ સાલે તેમણે પોતાના નવીન સેવા કેમ્પ દ્વારા માઇભક્તોની સેવા કરવાનો અવસર પ્રાપ્ત કર્યો છે. આ સેવા કેમ્પમાં 100 જેટલા સેવાભાવી સેવકો દિવસ રાત યાત્રિકોની સેવા માટે ખડેપગે ફરજ નિભાવી રહ્યા છે. રોજના બે ટાઈમ 5000 કરતા વધુ માઇભક્તો આ સેવા કેમ્પમાં ભોજન પ્રસાદનો લાભ લઇ રહ્યા છે. અંબા અમર સેવા કેમ્પનું આધુનિક ફૂટ મસાજરનું નવું નજરાણું યાત્રિકોની યાત્રાનો થાક દૂર કરવા સાથે મેળામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.