ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના માત્ર 17 વર્ષીય કિશોરે એડવાન્સ ડ્રોન બનાવ્યું

પાલનપુર: અત્યારનો યુગ ટેક્નોલોજીનો છે. હવે તો ડીગ્રીધારકો કે અનુભવી જ નહીં, પરંતુ 15-17 વર્ષના કિશોરો પણ ઇનોવેટિવ આઈડિયા થકી કંઈક નવું બનાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં પણ તાજેતરમાં ધોરણ 12 સાયન્સ પૂર્ણ કરેલા એક કિશોરે પોતાના આઈડિયા થકી એડવાન્સ ડ્રોન બનાવતાં નેશનલ લેવલે તેના આઇડિયેશનની પસંદગી થઈ છે. દેશભરમાંથી કુલ 700 પ્રોજેક્ટ આવ્યા હતા, એમાંથી પસંદ થયેલા 151 આઈડિયામાં મનીષ માળીના આઇડિયેશનની પસંદગી થવા પામી છે.

આ ડ્રોન બનાવવા શું શું જોઈએ? ડ્રોનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે? કેટલું વજન ઊંચકી શકે? સામાન્ય રીતે ડ્રોનનું વજન કેટલું હોય છે? એડવાન્સ ડ્રોનની ખાસિયત શું? જણાવે છે ડ્રોન બનાવનાર 17 વર્ષીય મનીષ માળી.

‘સામાન્ય ડ્રોનમાંથી એડવાન્સ ડ્રોન બનાવવાનો વિચાર આવ્યો: મનીષ માળી

ડ્રોન બનાવનાર મનીષ માળીએ જણાવ્યું હતું કે બાળપણથી જ મને કંઈક ને કંઈક પ્રોજેક્ટ બનાવવાની ઈચ્છા થતી રહેતી. અગાઉ મેં આયર્નમેન હેન્ડ મશીન, જેસીબી (જે ઇન્જેક્શન પર કામ કરતું હોય) અને ઇન્વર્ટર પણ બનાવેલું (જે 12થી 220 સુધીનો વોલ્ટેજ ઉત્પન્ન કરી શકે) છે, જેનો ઉપયોગ ઘણાં ક્ષેત્રોમાં થઈ શકે. ત્યાર બાદ મેં એક સામાન્ય ડ્રોન બનાવ્યું હતું, જેને લઈ એક કોમ્પિટિશન થઈ હતી, જેથી મને લાગ્યું કે મારે એડવાન્સ ડ્રોન બનાવવું જોઈએ, એટલે મેં એડવાન્સ ડ્રોન બનાવી રોબોફેસ્ટ ગુજરાત 3.0માં ભાગ લીધો હતો. ઓલ ઇન્ડિયા લેવલની આ કોમ્પિટિશન હતી, જેમાં દેશભરમાંથી 700 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 151 લોકો સિલેક્ટ થયા હતા, જેમાં મારું પણ ડ્રોન રોબર્ટ સિલેક્ટ થયું છે.

એડવાન્સ ડ્રોન-humdekhengenews

‘મને 50,000 રૂપિયાનું ઇનામ મળ્યું’

મારે આગામી એન્જિનિયરિંગના અભ્યાસનાં ચાર વર્ષ દરમિયાન આ ડ્રોનને હજુ વધારે એડવાન્સ લેવલનું બનાવવાનું છે. રોબોફેસ્ટ ગુજરાત 3.0માં ભાગ લેતા આઈડિયોલોજીમાં મારું સિલેક્શન થતાં મને 50,000 રૂપિયાનું ઇનામ મળ્યું હતું, જેનો હવે સેકન્ડ લેવલ POC (પ્રૂફ ઓફ કોન્સેપ્ટ) માટે 10 જુલાઈના રોજ અમદાવાદ ખાતે સાયન્સસિટી જઇ પ્રેઝન્ટેશન આપવાનું છે. સરકારને મારી વિનંતી છે કે આવા પ્રોજેક્ટને સપોર્ટ કરવો જોઈએ.

ડ્રોન બનાવવા શું શું જોઈએ?

આ બાબતે જણાવતાં મનીષે કહ્યું હતું કે ડ્રોન બનાવવા માટે કેટલીક વસ્તુઓ બજારમાંથી મળી ગઈ. જ્યારે કેટલીક ઓનલાઇન મગાવવી પડી હતી. ડ્રોન બનાવવામાં બીએલડીસી મોટર, ઇએસડી, ટ્રાન્સમિટર અને રિસીવર, ફ્લાઇટ કંટ્રોલર, કેમેરા, ટેલી મેટ્રી, લીપો બેટરી, ચાર્જર, સ્ક્રૂ, વાયર, જીપીએસનો ઉપયોગ થયો છે. આ ડ્રોનનું વજન 1 કિલો 200 ગ્રામ છે અને એની રેન્જ ઊંચાઈમાં 500થી 700 મીટર અને લેન્થ 1 કિલોમીટર જેટલી છે.

એડવાન્સ ડ્રોન-humdekhengenews

ડ્રોનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થઈ શકે?

આ ડ્રોનનો મેડિકલક્ષેત્રમાં અને મિલિટરીના મિશનમાં ઉપયોગ થઈ શકે છે, જેમ કે આર્મીમાં એની સિસ્ટમ પ્રમાણે મિશન પાર પાડી શકાય છે. આપણે જાતે જ તેની હાઈટ અને રેંજ પ્રમાણે મિશન બનાવવાનું, એને અપલોડ કરવાનું, ત્યાર બાદ એ જાતે જ એના પર કામ કરે છે, જેનાથી આપણે મોબાઈલ દ્વારા એનો લાઈવ ડેટા જોઈ શકીએ અને કોઈ મિશનને અબોર્ટ કરવું હોય તોપણ આપણે કરી શકીએ.

ડ્રોનની 1 કિમીની રેન્જ; આર્મી ઓપરેશન પાર પાડવામાં સક્ષમ 

ડ્રોન એની ફ્રેમ પ્રમાણે અને બેટરીના વોલ્ટેજ પ્રમાણે વજન ઊંચકે છે. મારા ડ્રોનમાં 11.1 v/2200mahની બેટરી છે, જે 1 કિલો સુધીનું વજન ઊંચકી શકે છે, એટલે કે જેટલા વોલ્ટેજ વધુ એટલું એ વધારે વજન ઊંચકવાની ક્ષમતા ધરાવે છે.

સામાન્ય રીતે ડ્રોનનો વજન કેટલું હોય છે?

એ બધું ડ્રોન કયાં કામો કરી શકે એના પર જાય છે, જેમ કે લગ્નમાં વપરાતા ડ્રોન વધારે અથવા ઓછા વજનવાળા હોય છે. જેવું કામ કરે અને જેટલા વોલ્ટેજની બેટરી હોય એ પ્રમાણે એનું વજન નક્કી કરી શકાય છે.

એડવાન્સ ડ્રોન-humdekhengenews

એડવાન્સ ડ્રોનની ખાસિયત શું?

આ ડ્રોનની ખાસિયત છે કે એને સામાન્ય રિમોટથી કંટ્રોલ કરી શકાય અને એક એડવાન્સ ફીચર્સ છે, જેમાં આપણે કોઈ મિશન આપ્યું હોય તો તેને ઓટોમેટિક ફોલો કરે અને ઓટોમેટિક પાછું લેન્ડ થઈ જાય. એની મેઈન ખાસિયત, જેમ કે એના બેટરી વોલ્ટેજ સેટ કર્યા હોય એનાથી ઓછા વોલ્ટેજ થાય તો ઓટોમેટિક ડ્રોન જોડે કમાન્ડ પહોંચી જાય કે RTL (રિટર્ન ટુ લોન્ચ) એટલે એ રિટર્ન આવી જાય. પછી કેટલાક મોડ, જેમ કે ટ્રાન્સમીટર અને GCS (ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન) આ બંનેના સિગ્નલ લોસ થઈ ગયા હોય તોપણ એ ઓટોમેટિક RTL મોડમાં આવી જાય છે.

એક વર્ષ પૂર્વે અભ્યાસ દરમિયાન સામાન્ય ડ્રોન બનાવ્યું હતું

ડીસાની આદર્શ હાઇસ્કુલમાં તાજેરતમાં જ ધોરણ 12 સાયન્સ પૂર્ણ કરેલો મનીષ રાજેશભાઈ માળીની ઉંમર માત્ર 17 વર્ષની છે, પરંતુ નાનપણથી જ તેને કંઈક અલગ ઇનોવેટિવ કામ કરવાની ઈચ્છા હતી અને તે સતત એ દિશામાં કંઈક નવું ને નવું બનાવતો હતો. એ દરમિયાન એક વર્ષ પૂર્વે તેણ અભ્યાસ કરતાં કરતાં એક સામાન્ય ડ્રોન બનાવ્યું હતું. એ બનાવ્યા બાદ તેને એમાં કંઈક એડવાન્સ ટેક્નોલોજી સાથે બનાવવાનો વિચાર આવ્યો અને એ પછી તેણે એ દિશામાં કામગીરી શરૂ કરી.

પૈસાની સગવડ થઈ એમ ડ્રોનનાં સાધનો ખરીદ્યા

મનીષ અભ્યાસ કરતો હોવાથી અને પિતા પણ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાથી તેણે એડવાન્સ ડ્રોન બનાવવા માટે જેમ જેમ પૈસાની સગવડ થઈ એ રીતે તે એનાં સાધનો ખરીદતો ગયો. કેટલાક પાર્ટ્સની લોકલ માર્કેટમાંથી ખરીદી કરી, પરંતુ કેટલીક ચીજવસ્તુઓ સ્થાનિક માર્કેટમાં ન મળતાં ઓનલાઈન ખરીદી કરી હતી. કુલ 70 હજાર રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરીને એક એડવાન્સ ટેક્નોલોજીવાળું ડ્રોન બનાવ્યું.

ડ્રોન 70 હજાર રૂપિયાના ખર્ચમાં તૈયાર થયું

ડ્રોન બનાવવામાં ફ્રેમ, બીએલડીસી મોટર, ઇએસડી, ટ્રાન્સમિટર અને રિસીવર, ફ્લાઇટ કંટ્રોલર, કેમેરા, ટેલી મેટ્રી, લીપો બેટરી, ચાર્જર, સ્ક્રૂ, વાયર અને જીપીએસ સહિતના પાર્ટ્સનો ઉપયોગ કર્યો છે. અંદાજિત 70 હજાર રૂપિયાના ખર્ચમાં તૈયાર થયેલા આ ડ્રોનનું વજન 1.200 કિલોગ્રામ છે અને એ 700 મીટરની ઊંચાઈ અને એક કિલોમીટરની રેન્જ ધરાવે છે.

હવે સાયન્સ સિટી ખાતે પ્રૂફ ઓફ કોન્સેપ્ટમાં ભાગ લેશે

ડ્રોન બનાવ્યા બાદ મનીષ માળીએ નેશનલ રોબોફેસ્ટ 3.0માં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ આઇડિયેશન રાઉન્ડમાં દેશભરમાંથી કુલ 700 પ્રોજેક્ટ સિલેક્ટ થયા હતા. એમાંથી પસંદ થયેલા 151 આઈડિયામાં મનીષ માળીના આઇડિયેશનની પસંદગી થતાં તેને 50 હજારનું પ્રોત્સાહક ઇનામ મળ્યું હતું. હવે આગામી સમયમાં 10 જુલાઈ 2023ના રોજ અમદાવાદ સાયન્સસિટી ખાતે પ્રૂફ ઓફ કોન્સેપ્ટમાં તે ભાગ લેવા જવાનો છે. મનીષ માળીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં આગળ વધવાની ઈચ્છા છે અને એમાં સફળતા મેળવવા માટે તે અથાગ પ્રયાસો કરે છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસા થી બહુચરાજી 45માં પગપાળા સંઘ સુખરૂપ સંપન્ન

Back to top button