બનાસકાંઠા : ધાનેરામાં ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરીનો ભવ્ય રોડ શો યોજાયો
- રેખાબેન ચૌધરીએ દાંતીવાડાના પાંચ ગામમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજ્યો
- રાત્રે ન્યુ પાલનપુરમાં ગણપતિ ચોકમાં ભાજપની બેઠક યોજી
પાલનપુર 30 એપ્રિલ : બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડો.રેખાબેન હિતેશભાઈ ચૌધરીએ મંગળવારે ધાનેરા અને પાલનપુર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં સવારે ધાનેરા શહેરમાં ભવ્ય રોડ શો બાદમાં દિવસ દરમ્યાન દાંતીવાડા સહિત પાંચ ગામના લોકસંપર્ક કરી રાત્રે પાલનપુરના ન્યુ પાલનપુરમાં બેઠક યોજી બનાસકાંઠા જિલ્લાની ઉન્નતિ માટે ભાજપને વોટ આપવા અપીલ કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં લાખો પશુ પાલકોને દૂધ સંપાદન થકી આર્થિક સધ્ધર બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવા બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી અને બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના શિક્ષિત અને મહિલા ઉમેદવાર ડો.રેખાબેન હિતેશભાઈ ચૌધરીને પ્રચારમાં ગામે ગામ વ્યાપક જન સમર્થન સાંપડી રહ્યું છે, સાથે રેખાબેન છેવાડાના મતદારો સાથે લોક સંપર્ક કરવા ઝંઝાવાતી પ્રચાર કાર્ય કરી રહ્યા છે. જેમાં તા.30 એપ્રિલને મંગળવારે રેખાબેનનો ધાનેરા ખાતે સવારે 8-00 કલાકે ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
જે બાદ બપોરે 2-00 વાગે દાંતીવાડા તાલુકાના ભાડલીઝાત,3-00 વાગે ભિલડા,4-00 વાગે ગાંગુવાડા, 5-00 વાગે ડેરી અને સાંજે 6-00 વાગે દાંતીવાડા ખાતે લોક સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો. જોકે લોક સંપર્કમાં રેખાબેનનું ગામે ગામ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને રાત્રે પાલનપુરના આબુ હાઇવે પર આવેલ ન્યુ પાલનપુરમાં ગણપતિ ચોકમાં રેખાબેનની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક મળશે. જેમાં દેશની ઉન્નતિ માટે ફરી એક વાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા ભાજપને વોટ આપી જંગી લીડથી વિજય અપાવવા માટે ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી દ્વારા અપીલ કરવામાં આવતા સ્થાનિકોએ તેમને જંગી લીડથી વિજય પ્રાપ્ત કરાવવામાં સહભાગી થવાની ખાત્રી આપી હતી. જોકે રેખાબેન ના રોડ શો,લોક સંપર્ક અને બેઠકોમાં સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પણ વાંચો : બનાસકાંઠાના ચૂંટણી મેદાનમાં પ્રચાર કરવા આવશે પ્રિયંકા ગાંધી, જાણો ક્યાં સભા સંબોધશે