ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: દાંતીવાડા ડેમનો એક દરવાજો ખોલાયો

Text To Speech

પાલનપુર: રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા દાંતીવાડા ડેમમાં રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સારો વરસાદ થતાં ડેમની પાણીની સપાટી 598.90 ફૂટ પહોંચી છે. આમ ડેમમાં 85% પાણીની આવક થવાથી સિંચાઈ વિભાગ દ્વારા શનિવારે બપોરે 2:00 વાગે દાંતીવાડા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો.

2000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે

જેમાંથી 2000 ક્યુસેક પાણી બનાસ નદીના પટમાં છોડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, ત્યારે બનાસ નદીમાં પાણી છોડતા પહેલા ડેમ ઉપર સાયરન વગાડીને લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. દરમિયાન ડેમનો દરવાજો ખુલે ત્યારે તેનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો અગાઉથી જ ડેમ સાઈટ ઉપર પહોંચી ગયા હતા. જ્યારે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે લોકોએ ભારે ચીચિયારીઓ કરીને ખુશી વ્યક્ત કરી હતી. આ વખતે બીપરજોય વાવાઝોડાના પરિણામે રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદથી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી. પરિણામે દાંતીવાડા ડેમ જુલાઈ માસમાં જ તેની છલોછલ સપાટીએ પહોંચી ગયો હતો.

હજુ ચોમાસુ બાકી છે, ત્યારે આવનારા દિવસોમાં ભારે વરસાદને લઈને ડેમના દરવાજા ખુલ્લા રાખવા પડે તેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે. જેથી બનાસ નદી પુનઃ જીવંત બને તેવી સંભાવના ને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. જો બનાસ નદી ચાલુ રહે તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કુવાના પાણી પણ ઉંચા આવે તો સિંચાઈને લગતી સમસ્યાનો મહદ અંશે ઉકેલ આવી શકે એમ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : દાંતીવાડા ડેમ 85 ટકા ભરાતા આજે બપોરે બે વાગે ડેમના દરવાજા ખોલાશે

Back to top button