બનાસકાંઠા : દાંતીવાડાના ડેરી ગામના ત્રણ સંતાનોના પિતાની કરપીણ હત્યા


પાલનપુર: દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં મોડી રાત્રે રબારી યુવકની કોઈ અજાણ્યા ઈસમે ધોકા અને પથ્થર મારી હત્યા કરી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
દાંતીવાડા તાલુકાના ડેરી ગામના ૩૫ વર્ષીય ખેડૂત ગણેશાજી પાંચાજી રબારી બુધવારના મોડી રાત્રે ઘરેથી વાળું કરી ખેતરમાં જવા નીકળ્યા હતા. જેની રસ્તામાં કોઈ અજાણ્યા ઈસમે માથા અને કાનના ભાગે પથ્થર તેમજ લાકડાના ધોકાના ઘા મારી કરપીણ હત્યા કરી નાખતા ગણેશજીના બે દીકરી અને એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. આ ઘટનાની જાણ થતા જ દાંતીવાડા ઈન્ચાર્જ પીએસઆઈ સ્નેહીત દેસાઈ સહિત પોલીસ જવાનો તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતદેહને પાંથાવાડા પીએમ અર્થે ખસેડી મૃતક યુવકના પિતા પાંચાજી રબારીએ દાંતીવાડા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે એક શકમંદ ઇસમની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે. જ્યારે પોલીસે ડોગ સ્કવોડ તેમજ એફ.એસ.એલ.ની મદદ લઈ અજાણ્યા હત્યારાના શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: એમ્બ્યુલન્સમાં નકલી નોટો, ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી સ્ટોરી !