બનાસકાંઠા: જિલ્લામાં વધુ વરસાદના એલર્ટ પગલે એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત


- જિલ્લામાં પોલીસ, ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન, યુ.જી.વિ.સી.એલ સહિતની વિવિધ ટીમ સ્ટેન્ડ ટુ
- બનાસકાંઠા જિલ્લા કલેકટરે વધુ વરસાદના એલર્ટના કારણે નાગરિકોને સતર્ક અને સાવચેત રહેવા અપીલ
પાલનપુર, 26 ઓગસ્ટ, 2024: હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને બનાકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જિલ્લામાં કોઈપણ પરિસ્થિત ને પહોંચી વળવા માટે તંત્રને એલર્ટ મોડમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ જિલ્લાના નાગરિકોને પણ એલર્ટના પગલે સાવચેત અને સુરક્ષિત જગ્યાએ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
જિલ્લા કલેકટર દ્વારા સાવચેતીના ભાગરુપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં વરસાદની આગાહીને પગલે એન.ડી.આર.એફ.ની એક ટુકડી આવી છે. જે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા તૈનાત છે. જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી એક એસ.ડી.આર.એફ ની ટીમ ફાળવવામાં આવેલી છે. NDRF પી.આઇ.બસંત ટીકરે જણાવ્યું કે, અમારી એક ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમારી ટીમ કોઈપણ પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટે સજજ છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી મુશ્કેલ પરિસ્થિતિમાં અમે પ્રજા સેવા માટે સ્ટેન્ડ ટુ છીએ.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ, આવતીકાલે શાળા-કોલેજોમાં રજા જાહેર