બનાસકાંઠા: ગામતળ નિમવા માટે ઝુંબેશ ઉપાડી તે દિશામાં નક્કર કામગીરી કરાશે : કલેક્ટર વરૂણ બરનવાલ
પાલનપુર: કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પુછાયેલા પ્રશ્નોની ચર્ચા દરમિયાન કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, ગામડાઓના સર્વાગી વિકાસ અને લોકોની સુવિધા માટે ગામતળ નિમવા જેવી અગત્યની બાબત માટે ઝુંબેશ ઉપાડી તે દિશામાં નક્કર કામગીરી કરીએ. તેમણે કહ્યું કે, સંસદ સભ્ય અને ધારાસભ્ય દ્વારા પુછવામાં આવતા પ્રશ્નોના જવાબ તેમને સમયમર્યાદામાં મળી રહે તે માટે હાર્ડકોપની જેમ સોક્ટ કોપી ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવે તેવી વ્યવસ્થા સુનિશ્વિત કરાશે.
પાલનપુરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
આ બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓના લઘુત્તમ વેતન તથા સમાન કામ પ્રમાણે સમાન વેતન, લેબર લો હેઠળ કરવાપાત્ર કામગીરી, જમીન વિહોણા લોકોને સાંથણીની સરકારી જમીનની ફાળવણી કરવી, ગામતળ નીમ કરવા, ઇંટવાડાના ભઠ્ઠામાં કામ કરતા અન્ય રાજ્યના કામદારોની નોંધણી કરવી, મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરી, ખેડુત ખાતેદારને અકસ્માત વીમા સહાયની ચુકવણી, કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનો સર્વે અને સહાય બાબતે, ચિત્રાસણી નજીક નેશનલ હાઇવે પર સ્થાનિકોને ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા, અટલ ભૂજલ યોજના, ધાનેરા તાલુકામાં ખેત તલાવડી માટે સહાય, જળ સંચય અને સુજલામ-સુફલામ યોજના હેઠળ કરવામાં આવતા કામોનું સઘન મોનીટરીંગ થાય તથા રસ્તા અને પીવાના પાણીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સાંસદ દિનેશભાઇ અનવાડીયા, ધારાસભ્યો કેશાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઈ, અનિકેતભાઇ ઠાકર, અમૃતજી ઠાકોર, જીજ્ઞેશભાઇ મેવાણી, કાંતિભાઇ ખરાડી, શ્રીમતી ગેનીબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર એચ.આર.ગઢવી સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસા પાસે ક્રેટા ગાડીને બચાવવા છતાં ટ્રેલર ડિવાઇડર પર ચડી ગયું