બનાસકાંઠા : કાંકરેજના ધુડાનગરમાં વિચરતી જાતિના 94 લાભાર્થીઓને મફત પ્લોટની સનદ અપાઈ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાકરની મુલાકાતમાં ઘર વિહોણા લોકોને મફત પ્લોટનું આપ્યું હતું આશ્વાસન
- જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ ત્વરીત કાર્યવાહી કરી
પાલનપુર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા.૧6 મે-2022ના રોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ધુડાનગર (કાકર) ગામની મુલાકાત દરમ્યાન વિચ૨તી જાતિ સમુદાયને પ્લોટ આપવા આશ્વાસન આપ્યું હતું. જે અનુસંધાને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા તા.13 મી ડિસેમ્બર-2022ના રોજ યોજાયેલી તાલુકા વિકાસ અધિકારીઓની બેઠકમાં આવા વિચરતી જાતિના સમુદાયને પ્લોટ આપવાનું નક્કી કરાયું હતું.
મફત પ્લોટની ફાળવણી
જે અંતર્ગત કાકર ખાતેના સરકારી સર્વે નંબર-612 પૈકી હે.આર.એ. 02/02/34 ચો.મી. જમીનમાં ગામતળ નીમ કરી ઊંચા ટેકરાવાળી જમીન હોવાથી તે સમતળ ક૨વા જિલ્લા વિકાસ અધિકારીએ રૂા.1,01,000/-ની ગ્રાન્ટ ફાળવણી કરેલ અને જિલ્લા વિકાસ અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી, કાંકરેજ દ્વારા આ જગ્યામાં 45 ફુટ લંબાઈ અને 20 ફુટ પહોળાઈ મુજબ પ્લોટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે મુજબ તા.9 ડિસેમ્બર-2022ના રોજ આદર્શ આચારસંહિતા અને વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ની પ્રક્રિયા પૂર્ણ થતાં તુરંત જ તા.13 મી ડિસેમ્બર-2022ના રોજ સાંજે 05:00 કલાકે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના હસ્તે કુલ-94 લાભાર્થીઓને મફત પ્લોટની ફાળવણી કરી લાભાર્થીઓને સ્થળ ઉપર પ્લોટના કબજા અને સનદ સુપ્રત કરવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરીમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના સીધા માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી જે.ડી.મહિડા તથા તાલુકા પંચાયતના તમામ સ્ટાફ અને તાલુકાના તલાટી કમ મંત્રીઓ, વિસ્તરણ અધિકારીઓ, સર્કલ ઈન્સ્પેકટર ના સહિયારા પુરુષાર્થથી પ્લોટ ફાળવવા અંગે ઉમદા આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીના ત્વરિત કાર્યોની પ્રસંશા કરવામાં આવી
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે એ ખુબ જ સારી પ્રસંશનીય કામગીરી કરી કાક૨ના ગરીબ અને વિચરતી જાતિ સમુદાયના લાભાર્થીઓને પ્લોટ ફાળવણી કરતા લાભાર્થીમાં આનંદની લાગણી પ્રસરી છે. પ્લોટ મળેલ લાભાર્થીઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના ત્વરિત કાર્યોની પ્રસંશા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ તમામ લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચના જિલ્લા સંયોજક નારણભાઇ રાવળ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : બિહારઃ વિધાનસભામાં કેમ નીતિશ કુમારને આવ્યો ગુસ્સો ?