બનાસકાંઠા: ડીસામાં સૌપ્રથમવાર એકસાથે 75 વિકાસકામોને મંજૂરી
પાલનપુર: ડીસા નગરપાલિકા વિસ્તારમાં સૌપ્રથમવાર એક સાથે રોડ, રસ્તા, ગટર અને પાણી સહિત 75 જેટલા વિકાસ કામોને શહેરી વિકાસ વિભાગે મંજૂરી આપી છે. જેમાં ડીસાના ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ આજે લોકોની સુખાકારી માટેના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત કર્યું હતું.
ધારાસભ્ય અને પાલિકા પ્રમુખના હસ્તે વિકાસકામોનું ખાતમુહૂર્ત
ડીસા શહેરનો વિસ્તાર અને વિકાસ સતત વધી રહ્યો છે. ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ પાલિકા પ્રમુખ રાજુ ઠક્કરના પ્રયત્નોથી ડીસામાં વિકાસલક્ષી અનેક કામો થઈ રહ્યા છે. ત્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ડીસા પાલિકાએ રજૂ કરેલા રોડ, રસ્તા, ગટર, પાણી સહિતના 75 જેટલા કામોને મંજૂરી આપી દીધી છે. સૌપ્રથમવાર એકસાથે 75 જેટલા વિકાસ કામોને મંજૂરી મળતા શહેરના 11 વોર્ડ લોકોને મોટો ફાયદો થશે અને શહેરમાં અનેક જગ્યાએ સીસી રોડ, મુખ્ય માર્ગો, ઓવરહેડ પાણીની ટાંકી અને સમ્પ, ભૂગર્ભ ગટર લાઈન, નાળા સફાઈ, બાગ બગીચા, બ્યુટીફીકેશન સહિતના કામોને વેગ મળશે.
કામો પૂર્ણ થતાં હજારો લોકોને થશે ફાયદો
જેમાં આજે ધારાસભ્ય પ્રવીણ માળી અને નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કરના હસ્તે ડીસાની નવી આદર્શ હાઇસ્કુલને જોડતો રોડ, સરસ્વતી રેસ્ટોરન્ટથી ગાંધી ચોક સુધીનો રોડ તેમજ ડોક્ટર હાઉસના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ મગનલાલ માળી, ડીસા પાલિકા પ્રમુખ રાજુ ઠક્કર, ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણી, જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અમરત દવે, પાલિકા સદસ્યો સંસ્કાર મંડળ ડીસાના પ્રમુખ ડોક્ટર અજય જોષી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કરે જણાવ્યું હતું કે, શહેરમાં એકસાથે 11 વોર્ડના 75 વિકાસ કામો થતા હજારો લોકોને ફાયદો થશે. ખાસ કરીને શહેરના મોટાભાગના કાચા અને ખરાબ રસ્તાઓ પાકા બની જતા વાહન ચાલકોને રાહત થવાની સાથે સાથે પેટ્રોલ-ડીઝની પણ બચત થશે અને લોકોની સુખાકારી વધશે.