ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: લાખણીના મડાલ ખાતે મધુમાખી પાલકોને 500 મધુમાખી બોક્ષનું કરાયું વિતરણ

પાલનપુર: ગ્રામોદ્યોગ વિકાસ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મડાલ ખાતે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન મનોજકુમારના હસ્તે મધુમાખી પાલકોને 500 જેટલાં મધુમાખી બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન મનોજકુમારે જણાવ્યું કે, આ જિલ્લાના ખેડુતો અને પશુપાલકોના પરિશ્રમથી શ્વેતક્રાંતિ આવી છે. આ બનાસની ધરતી પરથી વર્ષ- 2016માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વીટ ક્રાંતિની પણ શરૂઆત કરાવી હતી. વડાપ્રધાનના આહવાનના પગલે વર્ષ-2017થી હની મિશન અંતર્ગત ખાદી ગ્રામોદ્યોગ દ્વારા મધુમાખી પાલન માટે ખેડુતોને વિનામૂલ્યે બોક્ષ આપવામાં આવે છે. મધુમાખી પાલનના વ્યવસાયથી ખેડુતોને આત્મનિર્ભર બનવા તરફ આગળ વધવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 18,000 થી વધુ પશુપાલકોને 1 લાખથી વધુ મધુમાખીના બોક્ષનું વિતરણ કરવામાં આવ્યું છે. મધુમાખી પાલનના વ્યવસાયથી ખેડુતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે હની મિશન આપણા માટે અગત્યનું આવકનું સાધન બન્યું છે.

મધુમાખી બોક્ષ-humdekhengenews

મધુમાખી પાલનના વ્યવસાયથી ખેડુતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો: ચેરમેન મનોજકુમાર

ચેરમેન એ કહ્યું કે, આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન…..ના સૂત્રથી આપણી ખાદીની ગ્લોબલ ઓળખ બની છે અને નવી ઉંચાઇઓ સર કરી રહી રહી છે. ગયા વર્ષે 1,15,000 કરોડથી વધુની કિંમતની ખાદીનું વેચાણ થયું છે. ખાદી ગ્રામોદ્યોગના વિકાસ માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જોયેલું સપનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સાકાર થઇ રહ્યું છે. ખાદીના ઉદ્યોગો વિકસાવવા માટે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા વિવિધ યોજનાઓમાં 35 ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે ત્યારે ગામડામાં રહેતા યુવાઓ, મહિલાઓને સ્વરોજગારી પુરી પાડી આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ આગળ વધવા તેમણે અનુરોધ કર્યો હતો.

મધુમાખી બોક્ષ-humdekhengenews

ખાદી અને ગ્રામોદ્યોગના ગુજરાતના ડાયરેક્ટર સંજય હેડાઉએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, બનાસ ડેરી અને ગ્રામોદ્યોગના સહયોગથી મડાલ ગામના ખેડુતો રજકા અને વિવિધ પાકો પર આવતા ફુલોની નજીક મધમાખીના બોક્ષ મુકીને મધમાખીનું ઉત્પાદન કરે છે. જેનાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની નવી તકો સર્જાઇ છે.

બનાસ ડેરીના પ્રતિનિધિ નરસિંહભાઇ ગુર્જરે જણાવ્યું કે, આપણી થાળીમાં આવતો ખોરાક મધમાખીઓના યોગદાનના લીધે જ તૈયાર થાય છે. આ વિસ્તારમાં સ્વીટ ક્રાંતિ લાવવા માટે મધુમાખી પાલકોને પુરતા ભાવ મળી રહે તે માટે બનાસ ડેરી દ્વારા રૂ. 170 કિ.લો.ના ભાવથી મધની ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે 94 ટન જેટલું મધ બનાસ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી એકત્ર કરવામાં આવ્યું છે. બનાસના પશુપાલકો દૂધની જેમ મધ પણ ડેરીમાં ભરાવીને સારી આવક મેળવતા થયા છે ત્યારે ખાદી ગ્રામોદ્યોગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને વધુમાં વધુ બોક્ષ ફાળવવામાં આવે તે જરૂરી છે.

આ પ્રસંગે ચેરમેન ના હસ્તે મધુમાખી પાલકોનું ચરખા અને ખાદી વસ્ત્રથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અકસ્માત વીમાના લાભાર્થીને રૂ. 1 લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લિજ્જત પાપડના પ્રકાશભાઇ, સરપંચ ભરતભાઇ ઠાકોર, લાખણી માર્કેટયાર્ડના ચેરમેન દેવજીભાઇ દેસાઇ, અગ્રણીઓ ટી. પી. રાજપૂત, બાબરાભાઇ ચૌધરી, રૂપસીભાઇ પટેલ, તેજાભાઇ ભૂરીયા, હેમરાજભાઇ પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી નેહા પંચાલ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :યુપીમાં 183 એન્કાઉન્ટર પર SC કરશે સુનાવણી, પૂર્વ જજની દેખરેખમાં કમિટી બનાવવાની માંગ

Back to top button