બનાસકાંઠા: ડીસાના પેછડાલમાં એક મહિનાથી 5-5 ફૂટ પાણી, લોકોને ભારે મુશ્કેલી
પાલનપુર: બિપરજોય વાવાઝોડાના એક મહિના બાદ પણ હજુ પણ પેછડાલ ગામમાં તેની અસર યથાવત છે. વાવાઝોડાને પગલે થયેલા ધોધમાર વરસાદથી પેછડાલ ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હજુ પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે.
પાણીનો કોઈ જ નિકાલ ન થતાં ખેડૂતોના જાનમાલને લાખોનું નુકસાન
બિપરજોય વાવાઝોડાએ ન માત્ર ડીસા તાલુકો જ પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને ઘમરોળી નાખ્યું હતું અને અનેક જગ્યાએ ખેડૂતોના ઘરના પતરા શેડ અને ખેતીનો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો. જેમાં ખાસ કરીને ડીસા તાલુકાના પેછડાલ ગામમાં પણ લોકોના જાનમાલને મોટું નુકસાન થયું હતું. ભારે વરસાદના કારણે ગામમાં ભગવાનપુરા પ્રાથમિક શાળા તરફ જવાના વિસ્તારમાં પણ પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું હતું અને આજે એક મહિના બાદ પણ ખેતરો સહિત આજુબાજુમાં અંદાજીત 100 હેક્ટરમાં ભરાયેલ પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પેછડાલ ગામના સરપંચ શિવાભાઈ ચૌધરી સહિત અસરગ્રસ્ત ખેડૂતોએ જણાવ્યું હતું કે, બિપરજોય વાવાઝોડાનો એક મહિનો થઈ ગયો છે પરંતુ તે સમયે ગામમાં 100 હેક્ટર જેટલી જમીનમાં ભરાયેલું પાણી યથાવત સ્થિતિમાં છે. તેના કારણે હજુ પણ લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. શાળાએ જવા માટે પણ લોકોએ ચારથી પાંચ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે. તો 15 જેટલા ઘર પણ હજુ પાણીમાં ગરકાવ હોવાના કારણે લોકોએ પોતાના વાહનો પણ બીજાના ખેતરે મૂકી પાણીમાં થઈને ચાલતા ઘરે જવું પડે છે. ખેતરોમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ રહેતા હવે પશુઓના ઘાસચારાની પણ તંગી સર્જાઇ છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને બીજું કાંઈ જ નહીં પરંતુ તંત્ર દ્વારા તેમના ઘરે અને શાળાએ જવાનો જે માર્ગ છે તે બંને બાજુ પ્રોટેક્શન દિવાલ સાથે જમીનથી ઊંચો રોડ બનાવી આપવામાં આવે તો તેમની સમસ્યાનો કાયમી ઉકેલ થઈ શકે તેમ છે.
આ પણ વાંચો : ટામેટાંના ભાવ વધતાં સુરતના સૌથી ફેમસ ડુમસ ટામેટાં ભજીયાંના ભાવ આસમાને