ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: થરાદ નર્મદા મેઇન કેનાલ પર પાણીની દેખરેખ માટે 4 ટીમો ખડેપગે

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેથી પસાર થતી નર્મદા મેઇન કેનાલ આજ તા. 1લી મે-2023 થી તા. 15મે- 23 સુધી સાફ-સફાઇ અને રિપેરીંગ માટે બંધ કરવામાં આવી છે. આ નહેરમાંથી જિલ્લાના થરાદ, વાવ, સૂઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાના 279 ગામો તથા 2 શહેરો થરાદ અને ધાનેરાને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. આ કામગીરી દરમિયાન આ વિસ્તારના લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

નર્મદા મેઇન કેનાલ-humdekhengenews

ખેડૂતોએ સિંચાઇ માટે મુકેલા મોટર પંપ તંત્ર દ્વારા દૂર કરાયા

માત્ર પીવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય એ માટે મુખ્ય નહેરમાં 14 કિ.મી. વિસ્તારમાં કોફર ડેમ બનાવી પાણીનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને તેની દેખરેખ માટે પ્રાંત અધિકારી થરાદ અને સૂઇગામના અધ્યક્ષસ્થાને 4 જેટલી ટીમો ખડેપગે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. આ સ્ટોકમાંથી ખેડુતો મેઇન કેનાલ ઉપર મશીન મુકી પિયત માટે પાણી ન ઉપાડે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાએ જાહેરનામું પ્રસિધ્ધ કરી પાણી ખેંચવા પર પ્રતિબંધ મુક્યો છે. જેમાં નહેરમાં સ્ટોક કરેલું પાણી માત્ર પીવા માટે હોવાથી આ પાણી ઉપાડનાર વિરુધ્ધ પોલીસ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે એટલે ગેરકાયદેસર રીતે પાણી ચોરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.

નર્મદા મેઇન કેનાલ-humdekhengenews

આજે થરાદ પ્રાંત અધિકારી કે. એસ. ડાભીએ નર્મદા મેઇન કેનાલની વિઝીટ કરી આવા ગેરકાયદેસર કનેક્શન દૂર કરવાની કાર્યવાહી કરાવી હતી. જ્યારે સૂઇગામ પ્રાંત અધિકારીએ પાણીચોરો સામે વોચ રાખવા સઘન વ્યવસ્થા ગોઠવી છે અને તેનું સતત ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :GST કલેક્શનમાં તૂટ્યો રેકોર્ડ, આ વર્ષે એપ્રિલમાં રૂ.1.87 લાખ કરોડની આવક નોંધાઈ

Back to top button