બનાસકાંઠા: ડીસાને ડ્રગ્સ મુક્ત બનાવવા 250 લોકો દોડ્યા
પાલનપુર:ડીસા શહેર સ્વચ્છ, સુંદર, ડ્રગ મુક્ત બને અને લોકો આ બાબતે જાગ્રત થાય તે માટે સતત સેવાકીય પ્રવૃત્તિ દ્વારા સમાજમાં અનેરું સ્થાન ઉભુ કરનાર રોટરી ક્લબ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. વહેલી સવારે 250થી વધુ લોકોએ મેરેથોનમાં ભાગ લેતા પ્રથમ, દ્વિતીય અને ત્રીજા નંબરે આવનાર દોડવીરોને મેડલ આપી સન્માનિત કરાયા હતા.
ડીસા રોટરી ક્લબના નવ નિયુકત પ્રમુખ ડૉ. ડીકેશભાઈ ગોહેલ દ્વારા એમના કાર્યકાળના પ્રથમ દિવસે પહેલી જુલાઈના દિવસે સવારે છ વાગે બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી ટુંકી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબ ડીસાના સભ્યો, જુદી જુદી કોલેજોના વિદ્યાર્થી મિત્રો તેમજ આઇ.એમ.એ. ના ડોક્ટર્સ , બેંકના કર્મચારીઓ, પોલીસ મિત્રો તેમજ અલગ – અલગ સંસ્થામાંથી પધારેલ ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. સાંઈબાબા મંદિરથી શરૂઆત થયેલી મેરેથોન દોડ જલારામ મંદિર, ગાયત્રી મંદિર, ફુવારા સર્કલ થઈ 5 કિલોમીટરે પૂર્ણ થઈ હતી.
5 કિલોમીટરની મીની મેરેથોનમાં પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવનાર મેડલથી સન્માનિત
મેરેથોનમાં વિજેતા થયેલા ત્રણેય કેટેગરીના સ્પર્ધકોને ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્ઝ મેડલથી નવાજવામાં આવ્યા હતા. આ મેરેથોન દોડનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોમાં હેલ્થ અંગે જાગૃતિ આવે તેમજ યુવાનો વ્યસનોથી દુર રહી નાગરિક તરીકેની ફરજો તેમજ રોટરી દ્વારા થતી પ્રવૃત્તિની જાણકારી આપવાનો હતો. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર, બેંક ઓફ ઈન્ડિયાના ઝોનલ મેનેજર મનોજકુમાર, રોટરી ક્લબ ડીસાના નવ નિયુકત પ્રમુખ ડૉ. ડીકેશભાઈ ગોહેલ, આસિસ્ટન્ટ ગવર્નર ડૉ. હેતલબેન ગોહેલ, સેક્રેટરી ડૉ. મોનાબેન ગાંધી, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. હિરેનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રોટેરીયન મિત્રો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાઈઓમાં પ્રથમ નંબરે સંજય ઠાકોર( ઢુવા ), બીજા નંબરે મેહુલ ઠાકોર ( કોલેજ )અને ત્રીજા નંબરે જીગર ઠાકોર(ઢુવા ) વિજેતા થયા હતા. જ્યારે બહેનોમાં પ્રથમ નંબરે હિનાબેન ચૌધરી(પોલીસ ), બીજા નંબરે ગોમતીબેન ચૌધરી અને ત્રીજા નંબરે વૈશાલીબેન માળી(આદર્શ હાઈસ્કૂલ ) વિજેતા બન્યા હતા. આ સિવાય સૌથી નાની ઉંમરમાં હિતેશ પરમાર અને સિનિયર કેટેગરીમાં દિનેશભાઈ ખરાડી અને પ્રવીણભાઈ વિજેતા બનતા તમામને શિલ્ડ અને મેડલ આપી સન્માનિત કરાયા હતા.
આ પણ વાંચો :બનાસકાંઠા: અમીરગઢ નજીક ટ્રક- ઇક્કો ગાડી વચ્ચે ગોઝારો અકસ્માત ચાર જિંદગી ભરખી ગયો