બનાસકાંઠા : પાલનપુર ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 22 પ્રશ્નોનો કરાયો નિકાલ
- કલેક્ટર વરૂણ બરનવાલ સમક્ષ અરજદારોએ પ્રશ્નો રજૂ કર્યા હતા
પાલનપુર : લોકોના પ્રશ્નોના સ્થળ પર નિરાકરણ માટે શરૂ કરાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અરજદારો રજૂ કરેલા કુલ-૨૨ પ્રશ્નોને કલેક્ટરએ સાંભળી તેનો નિકાલ કરાયો હતો.
જિલ્લા કક્ષાના આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોએ ગેરકાયદેસર દબાણ દૂર કરવા, શૌચાલય બનાવવાની સહાય મંજૂર કરવા, નવિન આંગણવાડી શરૂ કરવા, સીલીંગ એક્ટ હેઠળ મળેલ જમીનને જુની શરતમાં ફેરફાર કરવા અંગે, અનુસૂચિત જાતિના વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, શ્રમિકોને મજુરી ચુકવવા, સુંઢા ગામમાં બટાકાની ફેક્ટરીના દ્વારા છોડવામાં આવતા દુષિત પાણી અંગે, બસુ ગામે નળ કનેક્શન આપવા, વિધવાઓને મફત પ્લોટ અને મકાન સહાય, અનુસૂચિત જાતિના ઘરવિહોણા લોકોને ર્ડા. આંબેડકર આવાસ યોજના હેઠળ સહાય મંજુર કરવા તથા ખેડુતોની જમીનને લગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર આર.એન.પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ. કે. ગઢવી સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.