ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરમાં 32 કરોડના ખર્ચે બનેલ 1392 મકાનો બન્યા ખંડેર

  • સાત વર્ષથી રાજીવ આવાસ યોજનાના મકાનો ખાઈ રહ્યા છે ધૂળ
  • ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી આવાસ યોજના મંજૂર કરાઇ હતી

પાલનપુર : ભારતના વડાપ્રધાનનું સ્વપ્ન છે કે ઘરવિહોણા લોકોને ઘર મળે તે હેતુસર શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના સહિત અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. પરંતુ જિલ્લા મથક પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે છેલ્લા સાત વર્ષથી રાજીવ આવાસ યોજનાના ૩૨ કરોડના મકાનો ધૂળ ખાઈ રહ્યા છે. સાથે સાથે પ્લાન્ટ પણ ધૂળ ખાલી રહ્યો છે. પાલનપુર પાલિકાની બેદરકારીને કારણે અને ભ્રષ્ટનીતિને કારણે સરકારી નાણાનો દુરુપયોગ તો થયો છે. સાથે સાથે સરકાર સાથે પણ પાલનપુર પાલિકાએ છેતરપિંડી આચર્યા જેવો ઘાટ ઘડાયો છે.

બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર નજીક ૩૨ કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા સાત વર્ષથી ધૂળ ખાઈ રહી છે.અને પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ના હાલે તેવી બાબત પાલનપુર નગરપાલિકામાં છે. વર્ષ ૨૦૧૬ માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરીપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી. જોકે ત્યારબાદ નેતાઓના અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના ૧૩૯૨ આવાસ પાલનપુર તાલુકાના સદરપુર ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા. આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી. પાણી, પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વગર ૩૨ કરોડના ખર્ચે ૧૩૯૨ આવાસ ઊભા કરી દીધા, પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે સરકારના ૩૨ કરોડ રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે. ૧૯૮૬ થી પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા સદરપુર ખાતે આવેલી જમીન ખાતે નિકાલ થતું હતું અને પાલનપુર શહેરના કચરાના નિકાલ માટે વર્ષ ૨૦૧૨ માં ઓક્સીડન્ટ પ્લાન્ટ ૮ કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. પરંતુ ૮ કરોડના ખર્ચે બનેલો પ્લાન્ટ પણ છેલ્લા ૧૧ વર્ષથી બંધ હાલતમાં છે. તેનો ઉપયોગ નથી થયો અને શહેરભરનું ગંદા પાણીનો નિકાલ પણ અત્યારે રાજીવ આવાસ યોજનામાં થઈ રહ્યો છે.

પાલિકાએ મંજૂરી લીધા વિના રાજીવ આવાસ ઉભા કરી દીધા !

સદરપુર ગ્રામ પંચાયત પાસે ગામ તળ નથી ગામના લોકોને રહેવા માટે મકાન માટે મુશ્કેલીઓ છે. ત્યારે સદરપુર ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતી જમીન પર પાલનપુર નગરપાલિકાએ મંજૂરી લીધા વિના રાજીવ આવાસ ઉભા કરી દીધા.જો કે નથી ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી આપી કે નથી હેતુફેરની મંજૂરી આપી. કોઈપણ પ્રકારની સદરપુર ગ્રામ પંચાયતની મંજૂરી લેવામાં આવી નથી અને મનમાની કરી રાજીવ આવાસ યોજના બનાવી દીધી છે. જે બાબતે પણ અગાઉના અને વર્તમાન સરપંચોએ પણ વિરોધ કરેલો છે. જે રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી. તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે. પરંતુ હવે મકાનની લોકોને લાભ મળે વંચિતોને લાભ મળે તે આશય થી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે અને હેતુફેરની મંજૂરી માટેની દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યાએ વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે. જોકે સરકારની મંજૂરી મળતાની સાથે જ રાજીવ આવાસનું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે.

સરકારના ૩૨ કરોડ રૂપિયા પાણીમાં !

બિલ્ડર લોબીને ફાયદો કરવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ ગાંધી આવાસ યોજનાને ખસેડી અને ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે, પરંતુ હવે જોવું એ રહ્યું કે સરકારના ૩૨ કરોડ રૂપિયા ગંદા પાણીમાં જશે કે પછી તેનો લોકોને લાભ મળશે.

આ પણ વાંચો : અરવલ્લીની મહિલાઓ માટે સખી મંડળ યોજના બની આશીર્વાદરુપ !

Back to top button