બનાસકાંઠા: ડીસામાં કોલેજ રોડ પર જાહેરમાં જુગાર રમતા 12 શખ્સો પકડાયા
- નવ મોબાઈલ અને 4 ટુ વ્હીલર સહિત 1.60 લાખનો મુદામાલ જપ્ત
પાલનપુર 04 જાન્યુઆરી 2024: બનાસકાંઠાના ડીસામાંથી આજે વરલી મટકાનો જાહેરમાં જુગાર રમતા લોકો પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 1.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ડીસા કોલેજ રોડ પર આવેલા સરદાર બાગ પાસે છેલ્લા ઘણા સમયથી જાહેરમાં જુગાર રમાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. જે અંગે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને માહિતી મળતા તપાસ શરૂ કરી હતી. સરદારબાગની પાસે જ ખુલ્લામાં જુગાર રમતી ટોળકી પકડાઈ ગઇ હતી. જેમાં પોલીસની ટીમે રેડ કરતા 12 જેટલા શખ્સો વરલી મટકાનો જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.
જુગાર રમતા આરોપીઓ પાસેથી ચાર ટુ વ્હીલર, નવ મોબાઈલ, એક પાણીનો વોટર જગ અને રોકડ સહિત કુલ 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે કુલ 12 શખ્સો સામે જુગાર ધારાની કલમ 12 (એ) મુજબ ગુનો નોંધી ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ ચલાવી હતી.
આ પણ વાંચો : ગુજરાતઃ મતદારયાદી સુધારણા દરમિયાન 6 લાખથી વધુ નવા મતદાર ઉમેરાયા