ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વાવાઝોડા અને કમોસમી વરસાદથી ચાર તાલુકાઓમાં 1128 મકાનોને નુકશાન

Text To Speech
  • 7 લોકોને ઈજા, 38 પશુઓ અને 700 મરઘાંના મોત થયા

પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં રવિવારે રાત્રે આવેલા ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. જેમાં ચાર તાલુકાઓમાં કુલ મળીને 1128 જેટલા મકાનોને નુકસાન થયું છે. જ્યારે સાત લોકોને ઈજા થઈ છે. તેમજ 38 પશુઓ અને 700 મરઘાંઓના મોત નિપજયાનું જાણવા મળે છે.જેને લઈને અનેક પરિવારોના રહેણાંકની છત છીનવાઈ ગઈ છે. તો પશુપાલકોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં તારીખ 28 અને 30 મે એમ બે દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. તેના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. દરમિયાન રવિવારે મોડી સાંજે ફૂંકાયેલા જોરદાર વાવાઝોડા ના કારણે અનેક વૃક્ષો મૂળમાંથી ધરાશયી થઈ ભોંયભેગા થયા હતા. જ્યારે રહેણાંક મકાનો ના છાપરા દૂર સુધી ફંગોળાઈ ગયા હતા. તો ક્યાંક મકાનોની દિવાલ પણ ધરાશાયી થવા પામી હતી. જેમાં જિલ્લામાં કુલ 1128 રહેણાંક મકાનોને નુકસાન થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ પાલનપુર તાલુકામાં 564, દાંતીવાડામાં 280, અમીરગઢમાં 242 અને દાંતામાં 41 રહેણાંક મકાનોને નુકસાન થવા પામ્યું છે. જ્યાં નુકસાન થયું છે તેવા તાલુકાઓમાં તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

વાવાઝોડાથી સાત લોકોને ઈજા

કમોસમી વરસાદ અને વાવાઝોડા ના કારણે દીવાલો પડવાથી કે છાપરા ઉડી જવાથી પાલનપુર તાલુકાના સાત લોકોને ઈજા થવા પામી હતી. જ્યારે પશુઓને બાંધવા માટે બનાવવામાં આવેલા શેડ તૂટી પડતા 38 જેટલા પશુઓના મોત નિપજયા છે. જેમાં અમીરગઢમાં દસ, કાંકરેજમાં પાંચ, દાંતામાં ત્રણ, ધાનેરામાં ચાર, પાલનપુર તાલુકામાં આઠ અને દાંતીવાડામાં ચાર પશુઓના મોત થયા છે. જ્યારે પાલનપુર તાલુકાના ખરોડિયા ગામે 700 જેટલા મરઘાંઓના મોત થયાના અહેવાલ મળ્યા છે. કમોસમી વરસાદને લઈને જિલ્લામાં થયેલા નુકસાન અંગેની કાર્યવાહી માટે અત્યારે તંત્ર કામે લાગ્યું છે.

આ પણ વાંચો : BJPએ લોકસભા ચૂંટણી ની તૈયારીઓ શરૂ, આ રાષ્ટ્રીય નેતાઓને સોંપાઇ ગુજરાતની જવાબદારી

Back to top button