બનાસકાંઠા: ડીસાના જુનાડીસા અને કૂંપટ ગામમાંથી જુગાર રમતા 11 શખ્સો ઝડપાયા
- જુગારીયાઓ પાસેથી પોલીસે કુલ રૂ. ૧,૩૦,૩૮૦ નો મુદ્દામાલ કર્યો જપ્ત
પાલનપુર, 18 ઓગસ્ટ: ડીસા તાલુકામાં શ્રાવણીયા જુગારની ધૂમ મચી છે. તાજેતરમાં જ માલગઢ ગામેથી સાત જુગારીઓ ઝડપાયા બાદ ડીસા તાલુકા પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરી 11 જુગારીયાઓને ઝડપી લીધા હતા.
ડીસા તાલુકા પીઆઇ એ.વી.દેસાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમ સાથે મંગળવારે મોડી રાત્રે પેટ્રોલિંગમાં દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે પાટણ હાઈવે પર એક ખેતરમાં બનાવેલા છાપરામાં ઓચિંતી રેડ કરી હતી. જેમાં જુગાર રમવા બેઠેલા શખ્સોમાં દોડધામ મચી હતી. જોકે પોલીસે છ શખ્સોને ઝડપી તેઓની પાસેથી ₹1,03,900 તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 1,23,900 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી.
જ્યારે તાલુકા પોલીસની અન્ય એક ટીમે ડીસા તાલુકાના કુંપટ ગામે શ્રાવણિયો જુગાર રમતા શખ્સોની બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં કુંપટ ગામે રહેતા રમેશજી મોબતાજી સોલંકીના ખેતરમાં પશુઓ માટે બનાવેલ શેડમાં જુગાર રમતા પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે 6480નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: મોપેડને ઓવરટેક કરવા મારવા મામલે પોલીસ પુત્રની હત્યા, 5 આરોપીઓની ધરપકડ