બનાસકાંઠા : 108 ઈમરજન્સી સેવામાં જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકયું

- હૈદરાબાદ ખાતે ટુંડિયા 108 સેવાના EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડ રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત
- દાંતાના સર્પદંશના દર્દીને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઈમરજન્સી સારવાર આપી નવજીવન આપ્યું હતું
પાલનપુર 17 ફેબ્રુઆરી 2024 : ગુજરાત સરકાર અને EMRI GHS દ્વારા ચાલતી નિ:શુલ્ક સેવા એટલે 108 એમ્બ્યુલન્સ સેવા. જે દેશ ભરમાં મોખરે છે અને ગુજરાતમાં 2007 થી આ નિ:શુલ્ક સેવા કાર્યરત છે તથા અણમોલ જિંદગીઓ બચાવવામાં 108 સેવાના કર્મચારીઓ 24/7 ખડેપગે હોય છે. ગુજરાતમાં અધતન ટેકનોલોજીથી સજજ એવી 800 થી પણ વધારે 108 એમ્બ્યુલન્સ સાથે તાલીમબદ્ધ સ્ટાફ કાર્યરત છે.
ભારતમાં જે રાજ્યોમાં 108 ની ઈમરજન્સી સેવા કાર્યરત છે તેવા રાજ્યોના શ્રેષ્ઠ કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીયકક્ષાના એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ 108 ની હેડ ઓફિસ હૈદરાબાદ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં શ્રેષ્ઠ કામગીરી માટે આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી બનાસકાંઠા જિલ્લાના ટુંડિયા 108 ના EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડ ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરાતા ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યું હતું.
ટુંડિયા લોકેશનમાં ફરજ બજાવતા EMT યોગિતા પટેલ અને PILOT નાગેન્દ્રસિંહ બારડને સરકારી હોસ્પિટલ દાંતા થી સર્પદંશના દર્દી નો કોલ મળ્યો હતો અને ત્યાં પહોચીને તાત્કાલિક દર્દી ને 108 એમ્બ્યુલન્સમાં લઈ જઇને હેડ ઓફિસ સ્થગિત ડૉ. ની સલાહ મુજબ 9 જેટલા ASV ( એન્ટી સ્નેક વેનેમ ) ઇન્જેક્શન અને જરૂરી સારવાર આપીને દર્દી નો અણમોલ જીવ બચાવ્યો હતો અને દર્દીને નવજીવન મળ્યું હતું.
સર્પદંશનો ભોગ બનનાર દર્દીને સમયસર સારવાર આપનાર 108 માં સ્ટાફ EMT યોગિતા પટેલ તથા PILOT નાગેન્દ્રસિંહ બારડ ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવા માટે હૈદરાબાદ ખાતે આયોજિત કાર્યક્ર્મમાં EMRI GHS ના ચેરમેન ડૉ. જીવીકે રેડ્ડીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ તથા ગુજરાત રાજ્યના સ્ટેટ હેડ જશવંત પ્રજાપતિ સહિત અન્ય રાજ્યના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાને રાષ્ટ્રીય એવોર્ડ મળતા 108 ના કર્મચારીઓમાં હર્ષલ્લાસની લાગણી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવી તથા જીલ્લા એક્ઝિક્યુટિવ નિખિલ પટેલે આ કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ઉપસ્થિતિમાં સિગ્નલ સ્કૂલના બાળકોનો વાર્ષિક રમતોત્સવ યોજાયો