ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં બંધ પડેલા પેટ્રોલ પંપમાંથી 10,700 લીટર પેટ્રોલ-ડીઝલની ચોરી

Text To Speech
  • છૂટા કરેલા કર્મચારી સહિત 3 સામે ફરિયાદ

પાલનપુર : ડીસાના ભોપાનગર પાસે આવેલ બંધ પડેલા પેટ્રોલપંપમાંથી અંદાજીત 11 લાખના પેટ્રોલ ડીઝલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પેટ્રોલ પંપના છૂટા કરેલા કર્મચારીઓ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા-પાટણ હાઈવે પર ભોપાનગર ફાટક પાસે તુષાર પટેલની માલિકીનો ફિલ એન્ડ ફ્લાય એનર્જી સેન્ટ નામનો પેટ્રોલ પંપ આવેલો છે. જે પેટ્રોલ ટેકનીકલ ક્ષતિના કારણે 14 સપ્ટેમ્બર 2022ના રોજ બંધ કરવામાં આવ્યો હતો. તે સમયે ડીઝલ અને પેટ્રોલનો સ્ટોક ચેક કરી ડીપ જોતા તેમાં ડીઝલ 9055 લીટર હતું. જ્યારે પેટ્રોલ 4883 લીટર હતું. તે સમયે પેટ્રોલ પંપ બંધ થતા કર્મચારી કુલદીપ ચૌહાણને પણ છૂટો કરવામાં આવ્યો હતો.

કોર્ટે હુકમ કરતા નોંધાઇ પોલીસ ફરિયાદ

ત્યારબાદ પેટ્રોલ પંપ પરની ક્ષતિઓ દૂર થતા 23 મે 2023ના રોજ પેટ્રોલ પંપ શરૂ કરાયો હતો અને 24 તારીખે પેટ્રોલ ડીઝલનો સ્ટોક તપાસ કરવા ડીપ ચેક કરતા ડીઝલ 2808 લીટર હતું. જ્યારે પેટ્રોલ માત્ર 428 લીટર હતું. આમ પેટ્રોલ અને ડીઝલમાં મોટી ઘટ જોવા મળતા અને તપાસ કરતા પેટ્રોલ પંપ પર છૂટા કરાયેલા કર્મચારી સહિત ત્રણ લોકોએ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પેટ્રોલ પંપ માલિકે ડીસાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં આ મામલે અરજી કરતા કોર્ટે ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 156-3 મૂજબ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે ડીસા તાલુકા પોલીસે પેટ્રોલ પંપ પરથી છૂટો કરાયેલ કર્મચારી અને ભીલડીનો રહેવાસી કુલદીપ ચૌહાણ, નરેશ ઠાકોર અને રણજિત ઠાકોર અમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : જૂના ડીસામાં યુવકે જંતુનાશક ઝેરી પ્રવાહી પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Back to top button