બનાસકાંઠાના સાંસદ ગેનીબેન આંગણવાડીની બહેનોના પ્રશ્નો મુદ્દે દિલ્હી સુધી આંદોલન કરશે
બનાસકાંઠા, 17 જુલાઈ 2024, ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક પરથી સાંસદ બન્યા બાદ સતત તેમના વિસ્તારના લોકો સાથે ચર્ચાઓ કરતાં રહે છે. તેઓ સાંસદ બન્યા બાદ મીની અંબાજી સણાદર ખાતે ગયા હતા. ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓએ ગેનીબેનને વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરી હતી. બહેનોએ કહ્યું હતું કે, અઢી વર્ષ થયા તેમ છતાં તેમને ગ્રેજ્યુઈટી મળી નથી. જો તે ગ્રેચ્યુટીના રૂપિયાની વાત કરવા માટે જાય તો આ ઓનલાઇન કામગીરી છે એમ કહીને ગોળ ગોળ વાતો કરવામાં આવે છે. ઘણી બેહનોની ઉમર થઇ ગઈ છે અને તેમને રૂપિયાની જરૂર છે.
આંગણવાડીની બહેનોએ પોતાની તકલીફોની રજૂઆત કરી
મહિલાઓએ ગેનીબેનને રજૂઆત કરી હતી કે, આંગણવાડીમાં બાળકો માટે ભોજન બનાવવા ત્રણ મહિનાથી તેલ આપવામાં આવતું નથી. અને જો તે બાબતે વાત કરવા જઈએ તો એવું કહેવામાં આવે છે કે તમારા પગારમાંથી તેલ લાવી દો. આ આંગણવાડીમાં અમુક બહેનો વિધવા છે, અમુક બહેનો ગરીબ છે અને તેમને તેમના પગારમાંથી આ તેલ લઈને આવવું પડે છે. તેમની રજુઆત કોઈ સાંભળતું નથી. આ બહેનો માંગ કરી રહી છે કે જો અમને લેખિતમાં બાંહેધરી આપવામાં નહીં આવે તો કોઈ પણ બેહનો તેલની ખરીદી કરશે નહિ.
સાંસદ ગેનીબેન ઠાકોરે આંગણવાડીની બહેનોને આશ્વાસન આપ્યું
આ બહેનોને જે આંગણવાડીના મકાનમાં બાળકોને ભણાવવામાં આવે છે. તેનું ભાડું મહિને 3 હજાર હોય છે તે ભાડું પણ છેલ્લા 12 મહિનાથી ચુકવવામાં આવ્યું નથી. ત્યારે આ મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે આ બહેનોને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે, તેમના મુદ્દાને લઈને તે દિલ્હીમાં અવાજ ઉપાડશે અને તેમ છતાં પણ જો તેમને ન્યાય નહિ મળે તો આંદોલન કરવામાં આવશે અને આ આંદોલન દિલ્હી સુધી લઇ જવામાં આવશે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : મધ્યાહન ભોજન કેન્દ્રોને ફાળવાયેલ તુવેરદાળની ગુણવત્તા મામલે તંત્રની કાર્યવાહી