બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે ચીફ ઓફિસરોને ત્રણ દિવસમાં રખડતાં ઢોર પકડવા આદેશ કર્યો
પાલનપુર, 5 ડિસેમ્બર 2023, ગુજરાતમાં રખડતાં ઢોરને કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. રખડતાં ઢોરની અડફેટે આવતાં લોકોને ગંભીર ઈજાઓ પહોંચતી હોય છે અથવા તો મૃત્યુ થાય છે. ત્યારે આ સમસ્યાને હલ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા નક્કર અને સંકલિત પગલાં લઇ અસરકારક કાર્ય કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યાં છે. આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જિલ્લાના તમામ ચીફ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. જેમાં રખડતાં ઢોરની સમસ્યાને નિયંત્રિત કરવા સ્પષ્ટ આદેશ આપ્યો હતો.
કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કાયદાકીય કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલે ચીફ ઓફિસરો સાથેની બેઠકમાં આદેશ આપતાં કહ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાંથી નગરપાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરને ગૌશાળા અને પાંજરાપોળમાં રાખવામાં આવે, નિયમિત રીતે ઢોર પકડવાની કામગીરી સુચારૂ રીતે થાય તેમજ ઢોરને રાખવા માટે નગરપાલિકા પ્રમાણે અલગ જગ્યા સુનિશ્વિત કરવા કલેકટરે તાકીદ કરી હતી. રાહદારી અને નિર્દોષ લોકો રખડતા ઢોરનો ભોગ ન બને એની તકેદારી જવાબદાર વિભાગ રાખે એમ જણાવી આ કામગીરીમાં બેદરકારી દાખવનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે એમ કલેકટરએ સ્પષ્ટ કહ્યું હતું.
ત્રણ દિવસમાં પાંચ હજાર કરતાં વધારે ઢોર પકડવા આદેશ
જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલે તમામ ચીફ ઓફિસરોને આગામી ત્રણ દિવસમાં રસ્તે રખડતાં ઢોર પકડવાની સ્પષ્ટ સૂચના આપતાં વિવિધ નગરપાલિકા વિસ્તારમાંથી પકડવામાં આવતા રખડતા ઢોરને પકડીને ગૌશાળા કે પાંજરાપોળમાં રાખવામાં આવે એવી વ્યવસ્થા નક્કી કરવા માટે અને આ સમસ્યા ગંભીર હોઇ સત્વરે યોગ્ય પગલાં લેવા તાકીદ કરી હતી. કલેકટરના આદેશને પગલે અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં પાંચસો રખડતાં ઢોર પકડવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કલેકટર વરુણકુમાર બરનવાલે આ બાબતને ગંભીર ગણી ઢોર પકડવાની કામગીરી અભિયાન રૂપે ઉપાડી આગામી ત્રણ દિવસમાં પાંચ હજાર કરતાં વધારે ઢોર પકડવા આદેશ આપ્યો હતો.