ડીસાની ટેટોડા ગૌશાળામાં લમ્પી વાયરસ અટકાવવા બનાસ ડેરીની ઝુંબેશ
પાલનપુર: બનાસકાંઠાની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરી ના ડિસા વિભાગના વોર્ડ ડિરેક્ટર રામજીભાઈ ગુજોર, વેટનરી ડો. પી. બી. પટેલ, ડો. ઉદેશીંગ દ્વારા લમ્પીના રોગને અટકાવવા માટે ની કામગીરી શ્રી રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડામાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. આ સાથે ડીસા તાલુકાની ગૌશાળાઓ અને છુટા ચરાવતા ગોવાળિયાઓના સંપર્ક કરી તેમની જરૂરિયાત અનુસારની સારવાર અને રસીકરણની કામગીરી પણ શરૂ કરેલ છે. બનાસડેરીના ડીસા તાલુકાની દૂધ મંડળીઓમાં 56 હજાર ગાયોનું રસીકરણ ફકત ચાર જ દિવસમાં પુર્ણ કરવામાં આવ્યું છે. આવતા 5 દિવસમાં આખા તાલુકામાં રસીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. તેમાં અંદાજિત એક લાખ ઉપરનું રસીકરણ પૂર્ણ કરવામાં આવશે.
ટેટોડા ગૌશાળાના મહંતશ્રી રામરતનજી બાપુ ટેટોડા ગૌશાળા ની 5600 ગાયોની સેવા કરી રહ્યા છે. તેમાં લમ્પી વાઇરસ નો રોગચાળો ન આવે તે માટે આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને મચ્છરો ભગાડવા માટેનું ફોગિંગ મશીન વસાવ્યું છે. અને રોગનો અટકાવ કરી રહ્યા છે. જેમાં સંતશ્રી ના કહેવા મુજબ સરકાર અને બનાસ ડેરીનો સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો છે. જેમાં લમ્પી વાયરસથી પીડિત 130 ગાયો હતી. જે પૈકી 5 ગાયો મૃત્યુ પામેલ છે. અને 90 જેટલી ગાયોમાં રિકવરી થઈ છે.