બનાસ ડેરીનું અમૃત સરોવર અભિયાન: 111 સરોવરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં
પાલનપુર, બનાસકાંઠા જિલ્લો આમ તો ભૌગોલિક રીતે એક પર્વતીય, વચ્ચે મેદાની રેતાળ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારમાં રણ પ્રદેશ આવેલો છે. અગાઉ જિલ્લામાં દુષ્કાળ પડતો હતો. અને હાલમાં પણ પાણીની તીવ્ર અછત પ્રવર્તે છે. ત્યારે જળ સંચયનું ભગીરથ કાર્ય બનાસકાંઠાની બનાસડેરી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
બનાસ ડેરી દ્વારા સમગ્ર જિલ્લામાં લોકભાગીદારીથી કુલ 111 અમૃત સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે અત્યાર સુધીમાં ૬૦ જેટલા તળાવનું નિર્માણ થઈ ચૂક્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન બાદ હાલ આ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં અમીરગઢમાં એક અમૃત તળાવ ની થઈ રહેલી કામગીરીની બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી.
હાલમાં, સરેરાશ એક દિવસમાં એક તળાવ નિર્માણ કાર્ય કરાઇ રહ્યું છે. આમ તો 100 દિવસમાં 111 તળાવનું નિર્માણ કાર્ય કરાશે. જેમાં આગામી દિવસોમાં અમૃત સમાન વરસાદની પધરામણી થશે ત્યારે નિર્માણ પામેલા આ અમૃત સરોવરોમાં જળસંચય થકી આવનારા દિવસોમાં તળાવની આસપાસના વિસ્તારના ખેડૂતો અને લોકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે. દિવસે-દિવસે પાણીની સમસ્યા તીવ્ર બનતી જાય છે. ત્યારે હવે પાણીનો સંચય કરવો ખૂબ જ અનિવાર્ય બની ગયો છે.