ઉત્તર ગુજરાતગુજરાત

બનાસ ડેરી આધુનીકરણના માર્ગે : છાણ ઉપાડવા રોબોટ, દૂધ ભરાવવા ડ્રોન ટેકનોલોજી અપનાવશે

Text To Speech
  • બનાસ ડેરી બની વિશ્વની પ્રથમ ઈ-ડેરી, કાગળ છોડીને તમામ કામગીરી કમ્પ્યુટર ઉપર
  • એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી થકી ૫૦ થી ૬૦ લીટર દૂધ આપતી કાંકરેજ ગાયની સંતતિ પેદા કરશે

પાલનપુર : બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા થરાદ તાલુકાના મોટામેસરા ગામે ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચેરમેને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીના ભવિષ્યના પ્લાનિંગ અંગે જણાવ્યું હતું. થરાદ તાલુકાના અલગ -અલગ ગામોમાંથી વિશાળ સંખ્યામાં પશુપાલક મહિલાઓ અને ખેડૂતોએ હાજરી આપી હતી.

પાલનપુર

બનાસકાંઠાના અલગ- અલગ તાલુકામાં બનાસ ડેરી દ્વારા દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં પશુપાલન, ખેતી અને ડેરીને લગતા અલગ- અલગ વિષયો પર સવિસ્તાર ચર્ચા કરીને જાગૃતિ ફેલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોટામેસરા ગામે આયોજિત કાર્યક્રમમાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં બનાસ ડેરી જ એક માત્ર પ્રથમ એવી ડેરી છે. જે ઇ -ડેરી બની છે.પહેલા બનાસ ડેરી પોતાની કામગીરી કાગળનો ઉપર કરતી હતી, પરંતુ હવે બનાસ ડેરી પોતાની તમામ કામગીરી કમ્પ્યુટરમાં કરે છે. એટલે તે ઇ -ડેરી બની ગઈ છે. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હાલમાં બનાસની બહેનો ગોબરને હાથથી ઉપાડે છે, પરંતુ બનાસ ડેરી એક એવા રોબોટની ટેકનોલોજી પર કામ કરી રહી છે, જે ગોબર ઉઠાવશે અને એકઠું કરશે. તે સાથે બનાસ ડેરી પ્રતિ કિલોએ છાણનો 1 રૂપિયો આપે છે, તેનો ભાવ પણ વધારશે.

પાલનપુર

ચેરમેન શંકરભાઇ ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગે ચાલીને બનાસ ડેરીમાં ટેક્નોલાજીનો વધુને વધુ ઉપયોગ કરીને આધુનિકરણ થકી પશુપાલકો અને ખેડૂતોને સમૃદ્ધ અને તેમના વ્યવસાયને સરળ બનાવવાના પ્રયાસ કરે છે. એજ દિશામાં વાત કરતા તેમણે કહ્યું હતું કે પશુપાલકો દૂધ ભરાવવા માટે દૂધ મંડળીએ જાય છે, પણ બનાસ ડેરી એવી ડ્રોન ટેકનોલોજી ઉપર કામ કરી રહી છે કે, પશુપાલક પોતાના ફોન થકી ડ્રોનને હેન્ડલ કરશે, ડ્રોનમાં દૂધ રાખીને દૂધ મંડળીએ ભરાવી શકશે.એ સાથે ગૌમૂત્ર પર રિસર્ચ કરાઈ રહ્યું છે, તેમાં વેલ્યુ એડીશન કરીને તેને માર્કેટમાં મુકવામાં આવશે, જેના દ્વારા પશુપાલકોને આવક મળતી થશે. ગાયનું ઝરણ ઘણીબધી રીતે ઉપયોગી છે, જે સાબિત પણ થઈ ગયું છે. આ નવતર પ્રયોગમાં જાપાનની સુઝુકી કંપનીએ પણ રસ દાખવ્યો છે, એવું ચેરમેન એ જણાવ્યું હતું.

પાલનપુર

એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીની મદદથી ગૌવંશ સુધારણાનો પ્રયાસ

તાજેતરમાં બનાસ ડેરીના ચેરમેન, નિયામક મંડળ અને NDDB ના ચેરમેન બ્રાઝિલની મુલાકાતે ગયા હતા. બ્રાઝીલ દેશે વર્ષો પહેલા આપણી ધરોહર સમાન કાંકરેજ અને ગીર ગાયોને લઇ જઈ તેનું સંવર્ધન કરી વિશ્વમાં વધુ દૂધ આપતી જાતો પેદા કરીને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. ત્યારે આ વધુ દૂધ આપતી કાંકરેજ અને ગીર ગાયોની સંતતિને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીની મદદથી બનાસકાંઠામાં લાવી ઉત્કૃષ્ટ ઓલાદોમાં વધારો તેમજ ગૌવંશ સુધારણા કરવાનો પ્રયાસ આગામી સમયમાં બનાસડેરી દ્વારા કરવામાં આવશે, એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજીની મદદથી જન્મેલી ગાયની કિંમત 2 લાખ રૂપિયા હશે. જેના કારણે બનાસકાંઠાના પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરતા થશે અને આર્થિકરીતે વધુ મજબૂત બનશે.આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય પરબતભાઇ પટેલ, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા સાથે અન્ય ગામના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો : પાલનપુર : કલેકટર કચેરીના દરવાજા આગળ ભુવો પડતાં વાહનોની અવર-જવર બંધ

Back to top button